રાજકોટઃ  કુવાડવા રોડ પર ઝૂંપડામાં મોડી રાત્રે આગ ફાટી નીકળતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ આગ લાગવાની દુર્ઘટનામાં એક બાળકીનુ મોત નીપજ્યું છે. જ્યારે 3 લોકો દાઝી જતાં તેમણે સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુવાડવા પોલીસ સ્ટેશન પાસે સોમવારે રાત્રે 11 વાગ્યા આસપાસ ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. 


આગમાં 3 બાળકી સહિત ઘરના સભ્યો દાઝી ગયા હતા. જેમાં એક વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ અન્ય એક બાળકી અને યુવતીની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને પ્રાથમિક તપાસમાં લાઇટ જતાં પરિવારે દીવો કરવા જતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે બાઇકમાંથી શિશિમાં પેટ્રોલ કાઢી દીવો પ્રગટાવતાં જ આગ ભભુકી ઉઠી હતી. 


પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ઝૂંપડામાં લાગેલી આગમાં પુરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જોકે, પુરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.


બનાવની જાણ થતાં તરત જ 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા.