Rajkot : યુવકને દ્વારકાની યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને સાથે રહેવા લાગ્યા પણ એક દિવસ......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2021 03:08 PM (IST)
કોઠારીયાના યુવકને દ્વારકાની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને એકબીજા વગર રહી ન શકતા બંને લિવ-ઇનમાં લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યા હતા.
રાજકોટઃ જિલ્લાના કોઠારીયામાં લિવ-ઇનમાં રહેતા યુવકને પ્રેમિકાએ છરીના ઘા મારી દેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમીને હાથ પર છરીના ઘા મારી દેતા તેને ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેને ઓપરેશન માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, કોઠારીયાના યુવકને દ્વારકાની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને એકબીજા વગર રહી ન શકતા બંને લિવ-ઇનમાં લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યા હતા. દરમિયાન યુવતીએ પ્રેમી પાસે 5 હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે, પ્રેમીએ અત્યારે રૂપિયા નહીં હોવાનું જણાવી પછી આપવાનું કહ્યું હતું. પ્રેમીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ઉશ્કેરાયેલી પ્રેમિકાએ પ્રેમીને હાથ પર છરીના ઘા મારી દીધા હતા. યુવકને લોહીલૂહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે કુવાડવા પોલીસને જાણ થતાં પોલીસે યુવકની ફરિયાદ લઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.