Rajkot: આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે, આ પહેલા જ માર્કેટમાં તેજી આવી ગઇ છે, રાજકોટમાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. માત્ર ચાર જ દિવસમાં 80 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો થયા ગૃહિણીનો બજેટ ફરી ખોરવાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં હાલમાં સિંગતેલના ભાવોમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. આજે માર્કેટમાં સિંગતેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે, આ સાથે જ નવો ભાવ હવે ડબ્બા દીઠ 3090 પર પહોંચી ગયો છે, ડબ્બા દીઠ ભાવમાં 3100 રૂપિયાને આડે હવે માત્ર 10 રૂપિયા છેટા રહ્યાં છે. 4 દિવસમાં ડબ્બે 80નો વધારો થયો છે, જ્યારે 13 દિવસમાં 170 રૂપિયાનો વધારો નોંધાયો છે. 


આ ઉપરાંત કપાસિયા તેલના ભાવ હાલમાં સ્થિર ચાલી રહ્યાં છે. જ્યારે સિંગતેલના ભાવ વધવા પાછળ બહાનું બતાવવામાં આવી રહ્યુ છે કે અત્યારે પિલાણવાળી મગફળી ઓછી આવી રહી છે, આ કારણે ભાવ વધી રહ્યાં છે. સાતમ-આઠમના તહેવારો પહેલા સિંગતેલમાં જબરજસ્ત તેજી આવતા મધ્યમવર્ગના લોકો પર પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે, લોકોને તહેવાર ઉજવવા પણ મુશ્કેલ બની રહેશે.


અધિક શ્રાવણ મહિનામાં સિંગતેલના ભાવમાં ભડકો


આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં આવી રહ્યા છે. એ પહેલા જ તેલનો ભાવ વધી ગયો છે, જેના કારણે ફરસાણ મોંઘુ બનશે. દર વર્ષે તહેવાર આવતા તેલના ભાવ વધે છે અને વચેટિયાઓ ફાવી જાય છે. સામાન્ય લોકોના જન જીવન પર ભારે અસર પડે છે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ઉપવાસ પણ મોંઘા બન્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચ્યો છે, હાલ ડબ્બાનો ભાવ 3080 પહોંચ્યો છે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. તેલમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મગફળીમાં અછત છે.  ઓફ સિઝન હોવા છતાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ છે. છેલ્લા એક માસથી સિંગતેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો થતો જાય છે. 


ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે.  જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે. ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા.  તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી.  જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી.  એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 70નો વધારો થતા કપાસિયાનો ભાવ 1700થી 1750 સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા 30થી 40નો વધારો થતા 1450 પર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે.


મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.100 જેટલો ભાવ વધારો થયો છે.  


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial