Bageshwardhar Sarkar Dhirendra Shastri: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બાબા આજે અમદાવાદ આવશે. જ્યાંથી તેઓ વટવા ખાતે ઠાકુર દેવકીનંદનની મુલાકાતે પહોંચશે. જ્યાં બાબા દેવકીનંદન સાથે ભોજન લીધા બાદ સાંજે વટવાના શ્રીરામ મેદાનમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. અહીં ત્રણ કલાકના રોકાણ બાદ સાંજે છ વાગ્યે બાબા ચુસ્ત સુરક્ષા ખાતે સુરત જવા રવાના થશે. આ દરમિયાન રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે.


શું કહ્યું વિજય રૂપાણીએ


રાજકોટમાં બાબા બાગેશ્વેર અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, બાબા હનુમાનજીનાં ઉપાસક છે. દિવ્ય દરબાર યોજવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારનું વાત કરે છે, કોઈ પોતાનું દુઃખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમારું કહેવું છે કે ધર્મ એ શ્રદ્ધા નો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીનાં મત મેળવવા હંમેશા તુષ્ટિકરણ કરે છે.


રાજકોટમાં ક્યારે છે કાર્યક્રમ


1 જૂનથી બે દિવસ રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબાનો દરબાર ભરાશે. દિવ્ય દરબાર પહેલા 29મી તારીખે રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. તો 3 જૂનના વડોદરામાં બાબાનો એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે.


બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા


પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.


મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ


થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.