Rajkot News: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં RSS વિરુદ્ધ પોસ્ટ મુકવા મામલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા દ્વારા આ પોસ્ટ ફેસબુક તથા વોટ્સએપ પર બુધવારે મૂકવામાં આવી હતી. "જો નીડર થે વો જંગ મેં ગયે, જો કાયર થે વો સંઘમે ગયે" આવી પોસ્ટ મુકતા હિંદુ સંગઠનોમાં આક્રોશ વ્યાપ્યો છે.
ભારે વિરોધ બાદ માફી પણ માંગી
વિનુભાઈ ઘેરવડા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની સાથે સાથે સામ્યવાદી માર્કસવાદી પક્ષના ઉપલેટાના મંત્રી પણ છે. પોસ્ટ મુક્યા બાદ હિન્દુ સંગઠનોના ભારે વિરોધને પગલે સોશિયલ મીડિયા પર ચાર લીટીનો કાગળ લખીને માફી પણ માંગી પરંતુ તમામ હિન્દુ સંગઠનનોનો રોષ શાંત ન થતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાષ્ટ્રીય સેવક સંઘને બદનામ કરતી ખોટી પોસ્ટ મુકાતા હિન્દુ સંગઠનો RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો, હિન્દુ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ચેમ્બર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા સામે ફરિયાદ નોંધાવી હતી. ચેમ્બર્સ ઓફ કોમર્સની હિન્દુ સંગઠનો દ્વારા વિનુભાઈ ઘેરવડાને ચેમ્બર્સના પ્રમુખ પદેથી દૂર કરવા માટે પણ હિન્દુ સંગઠનો દ્વારા સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી અને હોદા ઉપરથી રાજીનામુ અપાયું હતું.
આ ઉપરાંત અગાઉ એક વિડીયો દ્વારા ખોટી અને આધાર વગરની માહિતી મૂકી લોકોને RSS પ્રત્યે ભ્રમિત કરવા અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે હાલ સોશિયલ મીડિયામાં જાહેરમાં માફી માંગી છે અને ભવિષ્યમાં પણ આવું કોઈ કૃત્ય નહીં કરે એવું લખ્યું છે.