રાજકોટઃ શહેરમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા 31 વર્ષીય યુવકને 10મી માર્ચે એક યુવતીનો ફોન આવ્યો હતો અને ફ્રેન્ડશિપ કરવાનું જણાવીને મળવા બોલાવ્યો હતો. બાઇક પર યુવતીને મળવા ગયેલા યુવકને યુવતીએ ફ્રેન્ડનું મકાન ખાલી હોવાનું જણાવી ત્યાં મજા કરવાની લાલચ આપી હતી. જેથી યુવક તેને બાઇક પર બેસાડી ત્યાં જવા નીકળ્યો હતો. 


દરમિયાન મોરબી રોડ પર નાકરાવાડી પાસે યુવતીએ બાઇક ઊભું રખાવ્યું હતું અને લઘુશંકા માટે જવાનું કહ્યું હતું. યુવતી થોડે દૂર લઘુશંકા માટે ગયાના થોડા જ સમયમાં ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવતી પોતાની બહેન હોવાનું અને તેને ક્યાં લઈ જાય છે, તેમ જણાવી નાકરાવાડી પાસેની એક ઓરડીમાં ઉપાડી ગયા હતા. 


આમ, સિક્યુરીટી એજન્સીના સંચાલકને હનીટ્રેપમાં ફસાવી 2.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ ફરિયાદી પાસે એટીએમમાંથી પૈસા ઉપાડવા લઈ ગયા હતા. તેઓ ગ્રીનલેન્ડ ચોકડી તરફ પેટ્રોલપંપ પાસેના એક એટીએમમાં તેને લઈ ગયા હતા. જોકે, અહીં યુવકને મોક મળતા તેણે ત્યાં હાજર લોકોને ઘટનાની જાણ કરતાં તેમણે અનિલ સારેસા અને જીગ્નેશ ઉર્ફે દિલીપ ઝડપી પોલીસને જાણ કરતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે. જોકે, યુવતી અને અન્ય યુવક ફરાર થઈ ગયા છે. પોલીસે યુવતી અને યુવકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. 


યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, યુવતી સાથે પરિચય પછી યુવતીએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને માધાપર ચોકડી ખાતે મળવા બોલાવ્યો હતો. અહીં જતાં યુવતી તેને બાઇક પર મોરબી રોડ તરફ લઈ ગઈ હતી અને તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જોકે, યુવકે હિંમત કરતાં બે આરોપીઓ પકડાઇ ગયા છે.