રાજકોટ: રાજકોટના તુષાર નામના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 80 લાખ રૂપિયા પડાવનાર ગેંગનો પર્દાફાશ થયો છે. ગાજીયાબાદ પોલીસે દંપતી ઉપરાંત ત્રણ યુવતીની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગની માસ્ટર માઇન્ડ સપના ગૌતમ હતી. સપના પતિ યોગેશ ગૌતમ સાથે મળીને આ ગેંગ ચલાવતી હતી. પોલીસ નિકિતા, નિધિ અને પ્રિયા નામની યુવતીઓની પણ ધરપકડ કરી છે. 

Continues below advertisement

રાજકોટના યુવક સહિત અનેક લોકોનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવનારી ગેંગનો પર્દાફાશ થયો છે. ગાજિયાબાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરીને એક દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. ગાજીયાબાદ સિટી એસપી નિપુણ અગ્રવાલે આ ગેંગની ધરપકડ બતાવી છે, જેમાં એક દંપતી સહિત ત્રણ યુવતીઓ સામેલ હતી. તેમણે રાજનગર એક્સટેંશનની સોસાયટીમાં એક ફ્લેટ ભાડેથી રાખ્યો હતો. 

ગાજીયાબાદ સિટી એસપી નિપુલ અગ્રવાલે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ગેંગના 8 બેંક એકાઉન્ટની જાણકારી મળી છે. આ ચાર બેંક એકાઉન્ટમાં લગભગ 3.8 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે. પોલીસે આ ગેંગના તમામ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. ગાજીયાબાદ પોલીસે એમ પણ જણાવ્યું કે, આ ગેંગ લોકોનો અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતાં અને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. આ ગેંગનું સંચાલન એક દંપતી કરી રહ્યું હતું. 

ગાજીયાબાદ પોલીસે ધરપકડ કરેલી આ ગેંગે ગુજરાતના એક યુવક પાસેથી લગભગ 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ યુવકે પહેલા સ્ટ્રીપ ચેટ કર્યું હતું. આ પછી પર્સનલ નંબર શેર કરીને ગેંગની યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. પહેલા આ ગેંગની યુવતીઓએ વીડિયો કોલના માધ્યમથી વાતચીત કરી અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો અને પછી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. 

અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એક જ વર્ષમાં તેની પાસેથી 40 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી પણ યુવકનો પીછો છોડ્યો નહોતો અને તેની પાસેથી 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ગુજરાત પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે.

આ ગેંગની મુખ્ય સૂત્રધાર સપના ઓએલએક્સ ઉપર એડ મૂકીને કોલિંગ માટે યુવતીઓને બોલાવતી હતી. આ પછી તેમને તે ટ્રેનિંગ આપતી હતી. યુવતીઓને 25 હજાર રૂપિયાના પગારે રાખી તેમની પાસેથે વોટ્સએપ પર ન્યૂડ કોલ કરાવાતો હતો અને પછી તેમનો અશ્લીલ વીડિયો બનાવીને તોડ કરવામાં આવતો હતો. 

સપના ખૂબ જ સાતિર દિમાગની અપરાધી છે. તે પહેલા લોકોને પોર્ન વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવતી હતી. આ પછી તેમની સાથે યુવતીઓ અશ્લીલ વાતો કરતી તેમજ પર્સનલ વોટ્સએપ નંબર મેળવી ન્યૂડ કોલ કરવામાં આવતો હતો. આ પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હતા. આ ગેંગે સેંકડો લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે.