રાજકોટ પોલીસે આજે પત્રકાર પરીષદ કરીને સંપૂર્ણ વિગતો આપી હતી. હનીટ્રેપનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે અને તે સ્પા ચલાવે છે. તેણે પત્ની તેમજ જીઆરડીના બે જવાનોને સાથે રાખી કાવતરું ઘડ્યું હતું. હનીટ્રેપનો ભોગ બનનાર બિઝનેસમેન ફરસાણનો વેપાર કરે છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી.
દરમિયાન થોડા દિવસ પહેલા અલ્પાએ બિઝનેસમેનને ફોન કર્યો હતો અને ઘરે કોઈ ન હોવાનું જણાવા મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. જેથી સાંજના સમયે બિઝનેસમેન તેના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. દરમિયાન થોડીવારમાં જ તેનો પતિ આશિષ અને મિત્ર ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. આ પછી જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. જેથી બે લોકો આવ્યા હતા. તેમજ પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી.
આ પછી બિઝનેસમેનના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.