Rajkot: રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનમાં મુસાફરો ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ ખરીદી શકે તે માટે યુપીઆઇની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજકોટનું એસટી વિભાગ રાજ્યનું પ્રથમ ડિવિઝન બન્યું છે કે જ્યાં તમામ બસ સ્ટેશન પર મુસાફરો UPI પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે. જ્યાં છેલ્લા 15 દિવસમાં 31 હજાર મુસાફરોએ UPI પેમેન્ટ કરી 40 લાખની ટિકિટ બુક કરાવી હતી. ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે શરૂ થયેલી આ સુવિધાને મુસાફરોએ વધાવી લીધી છે.                                             

  




રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસમાં મુસાફરી કરતા સમયે મુસાફરો અને કંડકટર વચ્ચે ટિકિટ લેવા સમયે છુટ્ટા બાબતે રકઝક થતી હતી. જોકે, હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવતા જે મુસાફરોને ટિકિટના પૈસા છૂટ્ટા ન હોય તો તેવા મુસાફરો પોતાના મોબાઈલથી યુપીઆઇ પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે.રાજકોટ એસટી બસ સ્ટેશન પરથી દરરોજ 500 જેટલી ટ્રીપનું સંચાલન થઈ રહ્યું છે. દરરોજની 50 લાખથી વધુની કમાણી થઈ રહી છે. ત્યારે તેમાં સૌથી વધુ લોકો યુપીઆઇ પેમેન્ટથી ટિકિટ લે તે જરૂરી છે.                                           


તાજેતરમા જ રાજકોટ એસટી વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં 38 જેટલા ટિકિટ વિનાના મુસાફરોને પકડી પાડવામાં આવ્યા હતા. એસટી તંત્રના વિજિલન્સ વિભાગે બસોમાં અચાનક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ટિકીટ વિના મુસાફરી કરનારા 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, ટિકીટ વિના પકડાયેલા મુસાફરો પાસેથી કુલ 16 હજારથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો


દિવાળીના તહેવારોને રાજકોટ એસટી વિભાગને ફળી હતી. એક સપ્તાહમાં ૫ કરોડ ૬૦ લાખ રૂપિયાની આવક થઇ હતી. ૧૫૦ જેટલી એક્સ્ટ્રા બસ થકી ૫૫ લાખ રૂપિયાની આવક થઇ હતી. દરરોજ ૩ લાખ રૂપિયાનું UPI થકી આવક થઇ હતી. એક્સ્ટ્રા બસોનો ૩૭૦૦૦ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો.