રાજકોટઃ શહેરના નાણાવટી ચોક પાસે રહેતી 3 સંતાનોની માતાને પતિ સાથે મનદુઃખ થતાં છેલ્લા દોઢ વર્ષથી તે પુત્રી સાથે અલગ રહે છે. દરમિયાન તે ભારતીનગરમાં રહેતા એક યુવકના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થઈ જતાં બંનેએ લિવ-ઇનમાં રહેવાનું નક્કી કર્યું હતું. તેમજ તેઓ છેલ્લા એક વર્ષથી સાથે રહેવા લાગ્યા હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.
એક મહિના પહેલા મહિલાને પ્રેમી સાથે તકરાર થતાં તે તેનાથી પણ અલગ થઈ ગઈ હતી. જોકે, પ્રેમિકા છોડીને જતી રહેતા પ્રેમીએ તેને વોટ્સએપ પર તેના અશ્લીલ ફોટા અને અભદ્ર મેસેજ મોકલ્યા હતા. પ્રેમીએ મેસેજમાં લખ્યું હતું કે, તું મને છોડીને જતી રહી છે ને હવે જો તારા ફોટા વાઇરલ થઇ ગયા, હવે તું ભોગવ.
પ્રેમી આટલેથી અટક્યો નહોતો અને ફેસબૂક પર મહિલાની કપડા બદલતી વખતની તસવીરો મૂકી દીધી હતી અને તે લાપતા હોવાનું જણાવ્યું હતું. તેમજ માહિતી મળે તો આ મોબાઇલ પર સંપર્ક કરવો તેમ લખી પ્રેમિકાનો નંબર નીચે નાંખી દીધો હતો.
આ અંગે મહિલાને ખબર પડતાં તેણે સાઇબર સેલમાં ફરિયાદ નોંદાવી છે. જેને પગલે સાઇબર સેલે મહિલાના પ્રેમીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, મહિલાના 19 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમજ લગ્ન જીવનથી તેમને ત્રણ સંતાન પણ છે. જોકે, તેને પતિ સાથે મનમેળ ન થતા અલગ રહે છે.