Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 જુલાઈ ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ પર આવવાના છે, આ માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ખડેપગે થઇ ગયુ છે. રાજકોટમાં 27મીએ પીએમ મોદી હિરાસર એરપોર્ટ સહિત બીજા કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. પીએમ મોદીના આ ગુજરાત પ્રવાસને લઇને પોલીસ તંત્ર સજ્જ ખડેપગે થઇ ગયુ છે. આજે રાજકોટ પોલીસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને 3019 પોલીસકર્મીઓ પીએમની સુરક્ષામાં રહેવાની વાત કરી છે.


આજે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી, તેમને આ દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન મોદીના રાજકોટ કાર્યક્રમમાં કુલ 3019 પોલીસ જવાનો દ્વારા સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં એક પોલીસ કમિશનર, 4 ડીસીપી, 5 એસપી, 18 એસીપી બંદોબસ્તમાં તેનાત રહેશે. આ ઉપરાંત રાજકોટમાં 60 પીઆઈ, 169 પીએસઆઈ, 27 વુમન પીએસઆઈ, 1286 પુરુષ પોલીસ, 142 વુમન પોલીસ તેનાત રહેશે. 118 એસઆરપી જવાનો, 370 ટ્રાફિક એલઆરડી, 401 ગુજરાત હૉમગાર્ડ, 408 ટીઆરબી, 10 હોર્સ રાઇડર પણ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. સભાસ્થળ પર અને ટ્રાફીક માટે ત્રણ હજાર પોલીસ જવાનો તૈનાત કરાશે. 


રાજકોટ માં ગુરુવારના રોજ પ્રધાનમંત્રી નો મિનિટ 2 મિનિટ કાર્યક્રમ


3.10 હિરાસર એરપોર્ટ પર આગમન









3.15 થી 3.30 એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કરશે


3.40 ટર્મિનલ બિલ્ડીંગથી બાય રોડ એમ.આઈ-17 હેલીકોપ્ટર પર પહોંચશે


3.45 હિરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર આવવા રવાના થશે


4.05 રાજકોટ એરપોર્ટ પર આગમન


4.10 રાજકોટ એરપોર્ટથી બાયરોડ રેસકોર્ષ સભાસ્થળે પહોંચવા રવાના થશે


4.15 રેસકોર્ષ સભાસ્થળ પર આગમન


4.15 થી 5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે


5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે


5.40 થી 6.30 રાજકોટથી બોઈંગમાં રવાના થઈ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.


નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની આ જનસભા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે. રાજકોટમાં Kkv ઓવરબ્રિજનું પણ પીએમ મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આ પહેલા 22મી જુલાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ kkv ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના હતા, પરંતુ હવે આ કાર્યક્રમને પણ 27મી જુલાઈએ જ રાખવામાં આવ્યો છે, આ કેકેવી ઓવરબ્રિઝને પણ હવે વડાપ્રધાન મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આગામી 22 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવશે, અને વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી હીરાસર ગ્રીનફિલ એરપોર્ટ સહિત રાજકોટના અલગ અલગ 3000 કરોડના લોકાર્પણ કરશે. મહાનગર પાલિકાની કેકેવી બ્રિજ, અદ્યતન લાયબ્રેરી, શુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના લોકાર્પણ કરશે.