Rajkot News:  રાજકોટ રામાપીર ચોકડીનો પુલ પાસે તાજેતરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી કારે લકઝરી કારે યુવકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. જોકે હજુ સુધી કારચાલક પકડાયો નથી. આ ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, આ બાબતે હું પોલીસ કમિશનર સાથે વાતચીત કરીશ. હાઇ પ્રોફાઈલ કેસ હોય કે સામાન્ય કેસ તટસ્થ તપાસ થવી જોઈએ. થોડા સમય પહેલા મહાનગરપાલિકાની બેદરકારીમાં એક રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું ત્યારે પણ મેં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત કરી અને તટસ્થ તપાસની માંગ કરી હતી.


પરેશ ડોડીયાની માલિકીની મર્સિડીઝ કારની ઠોકરે મયુર તન્ના નામના યુવાનનું મોત થયું હતું. કાર માલિક પરેશ ડોડીયા અને તેના ભત્રીજાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કાર માલિકે પોલીસ નિવેદનમાં કાર ભત્રીજો લઈને ગયો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે કાર માલિક પરેશ ડોડીયાના ભત્રીજાની પૂછપરછ કરતા, એક્સિડન્ટ કરનાર મર્સિડિઝ કાર પરેશ ડોડીયાનો ડ્રાઈવર ભોલો લઈને ગયો હોવાનું અને તેનાથી અકસ્માત થયો હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસ દ્વારા કાર ખરેખર કોણ ચલાવતું હતું તેની તપાસ માટે ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે.  ઘટનાને 48 કલાક છતા હજુ એક પણ વ્યક્તિની અટકાયત કે ધરપકડ કરવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે મૃતકના પરિવરજનોએ ગઈકાલે ન્યાય માટે મીડિયા સમક્ષ પોકાર કર્યો હતો.


રાજકોટ મનપામાં આગામી 19 જૂને યોજાશે શિક્ષણ સમિતિની ચૂંટણી


રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર છે. આગામી 19 જૂને શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ અંગે મનપાએ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. આગામી 19મી જૂને રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે, આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ખાસ વાત છે કે, ભ્રષ્ટાચારને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ સહિતના નામો મોખરે છે. અહીં કુલ બાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટણીમાં મતદાન કરી શકે.