રાજકોટઃ રિબડા પાસે યુવતીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના જ પતિ કમ લિવ-ઇન પાટર્નરે કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારની હોવાનું આવ્યું સામે આવ્યું છે. યુવતીના પતિ સંદીપે હત્યા કરી લાશ ફેંકી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિ સંદીપને સકંજામાં લીધો છે. પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગોંડલના રીબડા ગામ પાસેથી ગઈ કાલે સવારે યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રીબડા ગામના ગેઈટ સામેથી જીન્સ અને ટી-શર્ટ પહેરેલી અને અંદાજે રપ વર્ષીય યુવતીની લાશ મળી આવતા ગોંડલ તાલુકા સ્થળ પર દોડી ગઇ હતી. લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી હતી.
બીજી તરફ પોલીસે મૃતક યુવતીને ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેમને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે મૃતક યુવતીના પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધાની માહિતી મળી જતા મૃતક યુવતીના પતિ સંદિપ છગન સગપરીયા (ઉ.વ.૩૮) કે જે મુળ રીબડાનો છે, તેને સકંજામાં લઈ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવતીનું નામ સાજેદા ઉર્ફે સાજુ ઉર્ફે સંજના ફિરોઝભાઈ સમા છે. તેની ઉંમર ર૦ વર્ષ છે. હત્યાનો ભોગ બનનાર સાજેદા ઉર્ફે સાજુએ ત્રણેક વર્ષ પહેલા સંદિપ સાથે પોતાના લગ્ન થઈ ગયાનું જાહેર કર્યું હતું. જો કે વાસ્તવમાં બંનેના લગ્ન થયા ન હતા. આમ છતા બંને લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા. આ સંબંધથી તેમને પુત્ર છે. જે હાલ દોઢેક વર્ષનો છે.
ગઈકાલે મોડી સાંજે તે સાજુને એકટીવા પર લઈ રીબડા પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સંદિપે ગળુ દબાવી તેની હત્યા કરી નાખ્યાની પ્રાથમિક તપાસમાં પોલીસને માહિતી મળી છે. સંદિપને સજુના એકથી વધુ શખ્સો સાથે આડાસંબંધ હોવાની શંકા જતા હત્યા કરી નાખી છે.