Rajkot : પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે શિવાલય પર ભક્તોની ભીડ ઉમટી રહી છે. રાજકોટ જિલ્લા હડમિયા પાસે અનોખુ શિવાલય બનાવવામાં આવ્યું છે. અહીં  બનેલા શિવલિંગની ઊંચાઈ અંગે ગુજરાતનું સૌથી ઊંચું શિવલિંગ હોવાનું પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ શિવલિંગની કુલ ઊંચાઈ 29 ફૂટ છે. જેની પહોળાઈ 12 ફૂટ છે.આ શિવલિંગ પર એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર રુદ્રાક્ષના પારા રાખવામાં આવ્યા છે.


લોકો આ શિવલિંગ પર જઈને અભિષેક કરી શકે તે માટે વિશેષ પણ વ્યવસ્થા કરાઇ છે. શિવજીની સામે રહેલા નંદી મહારાજ પણ મોટા કદના બનાવાયા છે, જેમની ઊંચાઈ 6 ફૂટની છે. તેમજ નંદી આગળ રહેતો કાચબો ત્રણ ફૂટ મોટો છે.આ વિશાળકાય શિવલિંગ રાજકોટ શહેરની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ખાતે બનાવવામાં આવ્યું છે.


આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 
ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે. શિવજીની આરાધના અને ઉપાસનાનો આ પવિત્ર માસ છે. અમદાવાદના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. ભગવાન શિવજીની અલગ અલગ રીતે ભક્તો રીઝવી રહ્યા છે. જળાભિષેક, દુધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી ભક્તો ભોળાનાથની આરાધના કરી રહ્યા છે. સિદ્ધિ યોગ સાથે શ્રાવણ માસનો શુભારંભ થયો છે.


નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી
આજે શુક્રવારથી ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ત્યારે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 12 જ્યોતિર્લિંગમાના એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ  ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દ્વારકાથી લગભગ 20  કિલોમીટર દૂર આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગનાં મંદિરમાં દર શ્રાવણ માસમાં ભક્તોનો જમાવડો રહેતો હોય છે. આ વર્ષથી સવારે થતી આરતીનો સમય બદલાયો છે. સવારની 6.00 વાગ્યાની મંગળા આરતી તથા સાંજે 8.00 કલાકે આરતી કરવામાં આવશે.