Latest Rajkot News: રાજકોટના ટીઆરપી ગેમ ઝોન (TRP Game Zone) અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia)ને ACB દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી કે, સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહિ. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ બાકી જે તેની હાજરીમાં કરવી જરૂરી છે. સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.


સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો. જે-તે વખતે એસીબીએ (ACB) તપાસ કરતાં ભૂ તપાસ સાગઠિયા અને તેના પરિવારના નામે અનેક મિલકતો મળી આવી હતી. જેમાં સોખડા અને ગોમટામાં બે પેટ્રોલપંપ, સોખડામાં ત્રણ ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, ગોમટામાં નવી બંધાતી હોટેલ, ફાર્મ હાઉસ, ખેતીની જમીન ઉપરાંત ગોંડલના ચોરડીમાં પણ ખેતીની જમીનનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત શાપરના ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં પ્લોટ, યુનિ. રોડ પર અનામિકા સોસાયટીમાં નવા બંધાતા બંગલો, માધાપરની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં બે ફલેટ, કાર સહિતના 6 વાહનોનો પણ સમાવેશ થાય છે. એસીબીની તપાસમાં સાગઠિયાએ 8 વખત વિદેશ પ્રવાસ કર્યાનું પણ બહાર આવ્યું હતું. એસીબીએ સાગઠિયાની અપ્રમાણસર મિલકતોની કિંમત રૂ.10.55 કરોડ આંકી હતી. વાસ્તવમાં આ કિંમત જંત્રી મુજબ આંકવામાં આવી હતી. જો બજાર કિંમત ગણાય તો આ તમામ મિલકતોની કિંમત અનેકગણી વધે તેમ છે.