Rajkot News: સૌરાષ્ટ્રમાં પાન-માવા ખાવાનું ચલણ વધારે છે. લોકો પાન-મસાલા ખાઇને ગમે ત્યાં થૂંકતા હોય છે. રાજકોટવાસીઓએ અત્યાર સુધીમાં રસ્તા પર થૂંકવા બદલ 23 લાખ ચૂકવ્યા છે. 2017થી આજ સુધીમાં મનપાએ 9000 કરતા વધુને CCTVનાં આધારે ફટકાર્યો દંડ ફટકાર્યો છે. રાજકોટમાં સૌથી વધુ ફાંકી ખાવાનું ચલણ છે, જેના કારણે લોકો રસ્તાઓ પર થુકે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો કાલાવડ રોડ પર થુકી થૂંકીને ભરી મૂક્યો હતો.


રાજકોટ મનપાએ 'સ્વચ્છતા હી સેવા' નામનું અભિયાન હાથ ધર્યું

પ્રથમવાર મનપા દ્વારા દંડ વસૂલાશે તો બીજીવાર RTO કડક કાર્યવાહી કરશે. રાજકોટ મનપાએ 'સ્વચ્છતા હી સેવા' નામનું અભિયાન હાથ ધર્યું છે. શહેર અંદર અને બહાર પણ સફાઈ કરવામાં આવી રહી છે, લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. આ પહેલા જ વર્ષ 2017થી RMC દ્વારા જાહેરમાં રસ્તા પર થૂંકનારાને રૂ. 250નો દંડ ફટકારવાનું શરૂ કર્યું હતો. જેમાં CCTVની મદદથી આવા લોકોને ઝડપી લઈ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.


9000 કરતા વધુ લોકો રસ્તા પર થૂંકતા ઝડપાઇ ચુક્યા છે

રાજકોટનાં લોકોને જાણે દંડની કોઈપણ પરવા ન હોય તેમ આજ સુધીમાં 9000 કરતા વધુ લોકો રસ્તા પર થૂંકતા ઝડપાઇ ચુક્યા છે. રાજકોટીયન્સે રસ્તા પર થૂંકવાનાં 23 લાખ ચૂકવ્યા છે, જેને લઈને હવે મ્યુ. કમિશ્નર દ્વારા વધુ કડક પગલાં લેવાનો નિર્ણય કરાયો છે.  હવેથી પ્રથમવાર મનપા દ્વારા દંડ વસૂલાશે અને બીજીવાર RTO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મ્યુ. કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું.


શહેરના ચાર રસ્તા સહિતના મહત્વનાં સ્થળોએ મૂકાયેલા સીસીટીવી કેમેરાની મદદથી રસ્તા પર થૂંકનારા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરચાલકોને તેમની નંબર પ્લેટ અને તેના ફોટાના આધારે મેમો ફટકારવામાં આવી રહ્યો છે. અમુક ફોર વ્હીલરચાલકો ફટાફટ ગાડીના કાચ નીચે ઉતારીને થૂંકીને કાચ પાછા ચઢાવી દેતા હોઇ સીસીટીવી કેમેરાની મદદથી આવા ફોર વ્હીલરચાલકોનો ત્રીસેક સેકન્ડનો વીડિયો પણ ગ્રાફિક તરીકે મોકલવાના મામલે તંત્રએ કવાયત હાથ ધરી છે. આ વીડિયોના કારણે થૂંકનાર ફોર વ્હીલરચાલક તંત્ર સમક્ષ પોતાનો બચાવ નહીં કરી શકે.