Rajkot News: છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, રાજકોટમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળો વધ્યો છે, હાલમાં જ શહેરમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવતા લોકોમાં ભય ફેલાયો છે. શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ કોરોનાની સાથે અન્યો રોગો પણ વકરી રહ્યાં છે. 


મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1541 કેસ નોંધાયા છે. સામાન્ય તાવના 113 કેસ નોંધાયા છે, ઝાડા ઉલ્ટીના 260 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના મચ્છરનો ભારે ઉપદ્રવ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અત્યારે મહાનગરપાલિકાના ચોપડે ચિકનગુનિયાના 3 અને ડેન્ગ્યૂનો 1 કેસ નોંધાયો છે. વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગર પાલિકાએ એક્શન લેવું પણ શરૂ કર્યુ છે, જેમાં 48 હજારથી વધુ ઘરોમાં અત્યારે પોરાનાશક કામગીરી શરૂ કરાઇ છે, તે અંતર્ગત 735 ઘરમાં ફૉગિંગની પ્રક્રિયા કરવામાં આવી છે. મંદિર, બગીચા, સરકારી શાળાઓ અને સોસાયટીઓમાં મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે એક ખાસ ઝૂંબેશ હાથ ધરાઇ છે. 


અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ફરી તહેલકો મચાવ્યો છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસને લઈ લોકોમાં પણ ફરી એક વખત ગભરાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં કોરોનાના કારણે એક મોત થયું છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે.   દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે.  રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય કો-મોર્બિડ બીમારીઓથી દર્દી પીડિત હતા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.