Rajkot News: રાજકોટ ટીઆરપી ગેમઝોન (Rajkot TRP Game Zone Tragedy) મુદ્દે ગુજરાત કોંગ્રેસે 25 જુનના રોજ રાજકોટ બંધનું (Rajkot Bandh) એલાન આપ્યું છે. આ દિવસે કોંગ્રેસના કાર્યકરો મજબૂત વિરોધ પ્રદર્શન કરશે. 25 જુને સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો – કાર્યકરોને (Gujarat congress leaders and party workers) રાજકોટ પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ તરફથી તમામ શહેર અને જિલ્લા પ્રમુખોને આદેશ કરવામાં આવ્યો છે. બંધને સફળ બનાવવા પ્રદેશના નેતાઓ રાજકોટ પહોંચશે. દરેક જિલ્લા અને શહેરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે.


પૂર્વ ટીપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર


રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મામલે કોર્ટ દ્વારા પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મનસુખ સાગઠીયા દ્વારા ખોટી મિનિટસ બુક બનાવવા બાબતે ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


અગ્નિકાંડ બાદ  સાગઠીયાએ પોતાના બચાવમાં પોતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટસ બુક પુરાવા તરીકે સીટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં અલગ-અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી. તેમાં એટીપી ઉપરાંત સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહીઓ હતી. જોકે સીટને શંકા જતા તપાસ કરતાં આ મીનીટસ બુક બોગસ હોવાનું અને એક સાથે લખાયાનું જાણવા મળતાં સાગઠીયા સામે  બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો હતો.


ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટીસ ફટકાર્યા બાદ પોતે તે સંદર્ભે કેટલી કામગીરી કરી હતી તેના નકલી દસ્તાવેજી પુરાવાઓ સાગઠીયાએ પોતાના બચાવમાં બોગસ મીનીટસ બુક તરીકે ઉભા કર્યા હતા. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો. બોગસ મીનીટસ બુકમાં સહી કરવા માટે સાગઠીયાએ ટીપી શાખાના અનેક કર્મચારીઓને ધમકાવ્યા પણ હતા. જેમની પણ સીટે પૂછપરછ કરી પુરાવા મેળવ્યા હતા.


અગ્નિકાંડના કેસમાં સાગઠીયાને રિમાન્ડના અંતે જેલ હવાલે કરાયા બાદ આજે સીટે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી બોગસ મીનીટસ બુક સંદર્ભે પુછપરછ શરૂ કરી છે. બીજી તરફ અગ્નિકાંડના પગલે પોતાને બચાવવા માટે ટીપી શાખાના અધિકારીઓએ ખોટુ રેકર્ડ ઉભુ કર્યાના ગુનામાં હાલ રિમાન્ડ પર રહેલા તત્કાલીન એટીપી રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જીનીયર જયદિપ ચૌધરીએ પોતાનો ગુનો કબુલી લીધાનું સીટના સૂત્રોએ જણાવ્યું હતું.


વાસ્તવમાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ જે ઈમ્પેકટ ફી પ્લાન રજૂ કર્યો હતો તે જ મૂળ ગેરકાયદે હતો. આમ છતાં અગ્નિકાંડ બાદ પોતાને બચાવવા માટે સાગઠીયા સહિતના આરોપીઓએ જૂની તારીખમાં આ પ્લાન ઈન્વર્ડ કરી દસ્તાવેજો સાથે ચેડાં કર્યા હતા. આ આખો આઈડીયા અગાઉ સાગઠીયા સાથે જ ધરપકડ કરાયેલા એટીપી ગૌતમ જોશીનો હોવાનું પણ સીટની તપાસમાં ખુલ્યું છે.