Rajkot : રાજકોટ શહેરમાં કોરોના સાથે સ્વાઈન ફલૂનો કહેર પણ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં કોરોના અને સ્વાઈન ફલૂના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજકોટના શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં કોરોના અને સ્વાઇન ફલૂથી 1-1 દર્દીનું મોત થયુ છે, જોકે આરોગ્ય વિભાગે સત્તાવાર કેમ જાહેરાત ન કરી તેને લઈને સવાલો ઉભા થયા છે. રાજકોટમાં સ્વાઇન ફલૂના સાત દર્દીઓ હજી સારવારમાં છે, જેમાંથી બે દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 


રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા
બજારમાં મળતું મિનરલ વોટર પિતા પહેલા ચેતજો,આ મિનરલ વોટર પીવાથી ઝાડા-ઉલટી થઇ શકે છે. આવું અમે નહીં પણ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી કહી રહ્યાં છે. રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. બીસ્વીન અને બીસ્ટર બ્રાન્ડ મિનરલ વોટર બ્રાન્ડનો નમૂનો ફેઈલ થયો છે. 


રાજકોટ મહાનગરપાલિકાના  ફૂડ વિભાગે  બંને કમ્પનીઓના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા. બંને કમ્પનીનું શુદ્ધ કહેવાતું અને દેખાતું પાણી અશુદ્ધ નીકળ્યું છે. તારીખ 12-5-2022 ના રોજ આ પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. હવે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ઉત્પાદક અને વિક્રેતા ઉપર કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. 


રાજકોટની સરકારી શાળાના પ્રિન્સિપાલના પત્રથી ખળભળાટ 
રાજકોટ મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર-93 ખાનગી ફાઉન્ડેશનને દત્તક આપ્યા બાદ સરકારી સ્કૂલની હાલત બદતર બની ગઈ હોવાની આચાર્યએ સ્થાનિકથી લઈને મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરી છે. સ્કૂલના આચાર્ય વનિતાબેન રાઠોડએ રજૂઆતમાં જણાવ્યું છે કે, શાળામાં ધો.1 થી 8 માં 890 બાળકો અભ્યાસ કરે છે. વિકસિત શાળાને દત્તક લઈ હાઈટેક બનાવવાના નામે લાખોની તોડફોડ કરી છે. પ્રજ્ઞા ક્લાસરૂમમાં પ્રજ્ઞા રેન્ક, લેડર, બાળકોની પ્રોફાઈલ દૂર કરી, પ્રોજેક્ટર અને હોમ થિયેટરના સ્પીકર્સને નુકસાન કર્યું છે. અક્ષય પાત્ર, રામહાટ જેવી વ્યવસ્થાને વેર વિખેર કરી નાખી છે. છતમાં વોટરપ્રૂગિ હોવા છતાં અગાસીમાં ખોદકામ કરતાં પાણી પડતા કોમ્પ્યુટર લેબમાં રહેલા ૨૭ કમ્પ્યુટરને શોર્ટ સર્કિટને લીધે નુકસાન પહોંચ્યું છે જેને લીધે બાળકોનું કમ્પ્યુટર શિક્ષણ બંધ છે.