Rajkot: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ચોથી ઘટના બની છે. જેમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યાં છે. રાજકોટના બામણબોર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બે યુવાનોને ફોર્ચ્યુનર ગાડીએ હડફેટે લીધા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, એક ઇજાગ્રસ્ત ગયો હતો. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃત્યુ પામનારા વ્યક્તિનું નામ ગોપાલભાઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ ઉદય હોવાનું સામે આવ્યું છે. હિટ એન્ડ રન કરી ભાગી જનાર ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ સ્થાનિકોએ પોલીસને આપી હતી. જેના આધાર કાર ચાલકને શોધવા કુવાડવા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
દાહોદમાં ફોર વ્હીલ ચાલકે રાહદારીને ઉડાવ્યો, પરિવારજનોમાં શોકનો માહોલ
દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ફોર વ્હીલ ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું મોત થયું છે. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. દેવગઢ બારીયા પીપલોદ રોડ ખાતે આ ઘટના બની હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાહદારીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં Hit & Runમાં દંપત્તિનું મોત
પાટણના સિધ્ધપુર હાઇવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પતિ,પત્નીના મોત થયા છે. ગાડી ચાલકે પગપાળા જઈ રહેલા દંપત્તિને અડફેટે લીધા હતા. પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલી રત્નદીપ સોસાયટી પાસે ઘટના બની હતી. ગાડીની ટક્કરથી પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
સુરતના કતારગામમાં હિટ એન્ડ રન
સુરત કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલા ને અડફેટે લીધી હતી. મહિલાને ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.