Onion Price News: રાજ્યમાં ખેડૂતોને લઇને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ એકાએક ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હાલમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ મણ દીઠ 100 થી 300 બોલાઇ રહ્યાં છે, જેના કારણે ઉત્પાડન પડતર કરતાં ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડુંગળીનો મબલખ પાક થયો છે પંરતુ ભાવ ના મળતા ડુંગળીના ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, અત્યારે રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ભરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં એક મણ ડુંગળીનો ભાવ માત્ર 100થી 300 મળતો હોવાનો ખેડૂતોનો દાવો છે. લાલ ડુંગળી, સફેદ ડુંગળી અને પીળીપતી ડુંગળીની મબલખ આવકથી ભાવ ગગડ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. રાજકોટ માર્કેટયાર્ડમાં દરરોજની 5 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઇ રહી છે. આ સાથે જ વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પણ પીળીપતી ડુંગળીની આવકો થઇ રહી છે. ખાસ વાત છે કે, ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો હટાવ્યા બાદ પણ સ્થિતિ જેમની તેમ જ છે. ચિંતાની વાત તો એ છે કે, ડુંગળીના ખેડૂતો પોતાની ઉત્પાદન પડતર કરતા 200 રૂ. નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે.
કેરી રસિકો માટે માઠા સમાચાર, વલસાડમાં ૮૦ થી ૯૦ ટકા પાક નિષ્ફળ
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આંબાવાડીઓમાં પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો હતો. પરંતુ કમનસીબે, સમગ્ર મોર ખરી પડતાં કેરીનું ઉત્પાદન થશે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખે દાવો કર્યો છે કે જિલ્લામાં કેરીના પાકને ૮૦ થી ૯૦ ટકા જેટલું જંગી નુકસાન થયું છે. ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે આંબાવાડીઓમાં કેરીનો મોર તો ખૂબ સારો આવ્યો હતો, પરંતુ ફલીકરણ ન થવાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને શરૂઆતમાં પાકમાં નુકસાનનો અંદાજ આવ્યો નહોતો, પરંતુ જ્યારે ફલીકરણ ન થયું અને આખું ઝાડ કાળું પડવા લાગ્યું ત્યારે ખેડૂતોને પાકની ગંભીર સ્થિતિનો ખ્યાલ આવ્યો હતો. વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખે વધુમાં દાવો કર્યો છે કે વલસાડ જિલ્લામાં આવેલી જીઆઇડીસીના પ્રદૂષણયુક્ત વાયુના કારણે પણ કેરીના પાક પર વિપરીત અસર થઈ છે. જિલ્લામાં કુલ ૪૩ હજાર હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાતાવરણની પ્રતિકૂળ અસર અને સંભવિત પ્રદૂષણને કારણે ૮૦ થી ૯૦ ટકા જેટલું નુકસાન થયું હોવાનું અનુમાન છે. વાડીઓમાં કેરીનું ઉત્પાદન લગભગ નહીંવત થવાની સંભાવના છે, જેના કારણે આ વર્ષે બજારોમાં કેરીની આવક ખૂબ જ ઓછી રહેવાની શક્યતા છે.