Rajkot News:  રાજકોટમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવાના ભાગરૂપે માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી મોટી પ્રાઈવેટ લકઝરી બસો ઉપર સવારે 8 થી રાત્રે 9 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાના પગલે આજથી મુસાફરોને રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર પુનિત નગર ચોકડીએ ઉતારવામાં આવી રહ્યા છે. જેને લઈ ટ્રાવેલ્સમાં આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોએ પણ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભારે વિરોધ કર્યો.


જાહેરનામું પરત ખેંચવું જોઈએ: મુસાફરો


મધ્યમ વર્ગના લોકો ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા હોય છે, તેમણે અહીંથી તેમના સ્થળ પર પહોંચવા 100 થી 150 રૂપિયા રીક્ષાના આપવા પડશે. ખાનગી બસમાં આવતા મુસાફરોના કહેવા મુજબ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું પરત ખેંચવું જોઈએ. ટ્રાવેલ્સના સંચાલકે કહ્યું બીજા મોટા વાહનો પણ અહીંથી નીકળે છે પોલીસને માત્ર ટ્રાવેલ્સ જ દેખાય છે.


ખાનગી બસ એસોસિએશનનું આકરું વલણ


રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડ્યું છે. ખાનગી બસ એસોસિએશને આ મુદે આકરું વલણ અપનાવ્યું છે. આજે ટ્રાવેલ્સ એસોસિયેશનની બેઠકમાં ઉચ્ચ કક્ષાએ રજુઆતનો નિર્ણય લેવાશે. રાજકોટ પોલીસ અને ટ્રાવેલ્સ એસોસિયેશન જાહેરનામાને લઈને આમને સામને આવી ગયા છે.




પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવ્યું છે કે પ્રાઈવેટ લકઝરી બસોની પ્રવેશબંધીનું જાહેરનામું અમલમાં છે. પરંતુ વધતા જતા ટ્રાફિકના કારણે માર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે. વધતી જતી ભારે વાહનોની અવરજવર સામે રસ્તાઓ સાંકડા પડે છે. હાલ શહેરની વસ્તીમાં અને નાનામોટા વાહનોની સંખ્યામાં ખુબજ વધારો થયો છે.


માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આવેલા 150 ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે જેને કારણે ટ્રાફિકની વ્યવસ્થામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. ગંભીર અકસ્માતો થવાની પણ સંભાવના રહે છે. 2015માં જયારે જાહેરનામું બહાર પડાયું ત્યારે ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધી ટ્રાફિક નહીંવત હતો. એટલું જ નહીં આ ચોકડીઓ શહેરની બહાર પડતી હતી. જે હવે શહેરની અંદરના વિસ્તારમાં આવી ગઈ છે. આ ચોકડીઓથી રાત્રિના મોડે સુધી સીટી બસ અને બીઆરટીએસ બસની સેવાઓ ઉપલબ્ધ છે.




જેથી હાલતી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા માધાપર ચોકડીથી પુનીતના ટાંકા સુધી મોટી પ્રાઈવેટ લકઝરી બસોની અવરજવર ઉપર સવારે 8 થી રાત્રિના 9 સુધી પ્રતિબંધ મુકવામાં આવે છે. ગોંડલ ચોકડીથી જામનગર જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો પુનીત પાણીના ટાંકાથી વાવડી રોડ, 80 ફૂટ રોડથી નવા 150 ફૂટ રીંગ રોડ થઈ ઘંટેશ્વર ટી પોઈન્ટથી જામનગર તરફ જઈ શકશે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો ઘંટેશ્વર ટી પોઈન્ટથી નવા 150 ફૂટ રીંગ રોડ થઈ કટારીયા ચોકડી, 80 ફૂટ રોડ, વાવડી રોડથી પુનીતના ટાંકા થઈ ગોંડલ ચોકડી સુધી જઈ શકશે.