રાજકોટ: રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જાય છે ત્યારે રાજકોટ શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.  રાજકોટ પોલીસ કમિશનરે  મોટો નિર્ણય કર્યો છે.શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડીથી પુનિતના પાણીના ટાંકા સુધી ખાનગી લકઝરી બસ ઉપર પ્રવેશ બંધ મુકવામાં આવ્યો છે. 150 ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાફિકજામની પારાવાર સમસ્યાને પગલે સવારે 8 વાગ્ થી રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી લક્ઝરી બસ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. લાંબા સમયથી ખાનગી બસ ને લઈને નિયંત્રણની માંગણીઓ ઉઠતી હતી. 




જાહેરનામાનો ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વિરોધ


રાજકોટમાં આજે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  પોલીસ કમિશનરના જાહેરનામાનો ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખે કહ્યું રીંગરોડ પર બસોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનાથી સૌથી વધુ મુસાફરો પરેશાન થશે. સ્થાનિક મુસાફરોને અન્ય શહેરોમાં જવા માટે રિક્ષાભાડાના ખર્ચાઓ વધી જશે. પાંચ કે સાત વર્ષ પહેલા અમે 150 ફૂટ રીંગ રોડ પર ઓફીસો ચાલુ કરી હતી.રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશન આ મુદ્દે રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી તથા પોલીસ કમિશનરને રજૂઆત કરશે. રાજકોટથી અન્ય શહેરોમાં જવા માટે હવે મુસાફરોને ભાડાઓ વધી જશે.




ટ્રાફિકના કારણે જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે


રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાઈવેટ લક્ઝરી બસો પ્રવેશ બંધનું જાહેરનામું અમલમાં છે પરંતુ વધતા જતા ટ્રાફિકના કારણે જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે અને શહેરમાં વધતી જતી ભારે વાહનોની અવરજવરથી રાજકોટ શહેરના રસ્તાઓ સાંકડા પડે છે અને રસ્તો ઉપર ટ્રાફિક અડચણરુપ થાય છે. તેમજ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 150 ફુટ રીંગ રોડ ઉપર ટ્રાવેલ્સની ઓફિસો આવેલ છે અને 150 ફુટ રીંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય, ટ્રાફિક વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલી પડે છે અને ગંભીર અકસ્માતો થવાની સંભાવના રહેલ છે. વર્ષ 2015માં જે જાહેરનામું અમલમાં મુકવામાં આવેલ ત્યારે ગોંડલ ચોકડીથી, માધાપર ચોકડી સુધી ટ્રાફિક નહીવત હતો અને આ ચોકડીઓ શહેરની બહાર પડતી હતી જે હવે શહેરની અંદરના વિસ્તારમાં આવી ગયેલ છે અને આ ચોકડીઓથી રાત્રીના મોડે સુધી સીટી બસ તેમજ બીઆરટીએસ બસની ટુંકા ટુંકા સમયગાળામાં સેવાઓ ઉપલબ્ધ હોય અને રાજકોટ શહેર તરફથી અન્ય શહેર તરફ જતા પેસેન્જરોને પીકઅપ કરવા ટ્રાફિકને અડચણરુપ ખાનગી લક્ઝરી બસો 150 ફુટ રીંગ રોડ પર પાર્ક કરતા હોય છે. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રાફિક સુચારુ અને સલામત રીતે ચાલે તે હેતુસર રાજકોટ શહેરમાં મોટી પ્રાઈવેટ લક્ઝરી બસો ઉપર 150 ફુટ રીંગ રોડ  માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી પ્રતિબંધ મુકવાની જરુરીયાત જણાય છે.