રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર કર્યું છે કે, રાજકોટમાં શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે. આ કલમ હેઠળ બે વર્ષની સખથ કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દરેક ચીજના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ જાહેરનામા હેઠળ ગુટખા, પાન-મસાલા અને ફાકી, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
એ દિવસથી પાનની દુકાનો બંધ થઇ જતાં ગુટખા, પાન-મસાલા અને ફાકીના બંધાણીઓની હાલત બગડી ગઈ છે. જોકે દુકાનદારો કાળા બજાર કરીને આ ચીજો વેચી રહ્યા છે. પોલીસના ધ્યાનમાં આ બાબત આવતાં પોલીસે આ આકરું પગલ ભરવાન જાહેરાત કરી છે.