Rajkot: રાજકોટમાં રેલનગર અંડરબ્રિજ આજથી બે મહિના સુધી બંધ રહેશે. મળતી જાણકારી અનુસાર, શહેરના રેલનગર અંડરબ્રિજનું સમારકામ કરવાનું હોવાથી બે મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલનગર બ્રિજમાં તળિયા અને દિવાલોમાંથી સતત પાણી ચાલુ રહે છે જેના કારણે અંડરબ્રિજ આસપાસ કાયમ પાણીનો ભરાવો રહે છે.
તળિયાનું પાણી રોકવા અને બ્રિજનું પ્રાથમિક સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા 56 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અંડરબ્રિજના તળિયા-દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરી સમારકામ કરાશે. આ અંડરબ્રિજનો ઉપયોગ રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો કરે છે. પરંતુ રેલનગર બ્રિજમાંથી પસાર થતા લોકોને આગામી 60 દિવસ માધાપર ચોકડી અને પોપટપરાના નાલા વાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
રાજકોટના રેલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જેનું જેનું બાંધકામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ દર વર્ષે ચોમાસાની સિઝનમાં સતત ત્રણ થી ચાર મહિના સુધી બ્રિજમાં પાણી નીકળતું રહે છે. પાણી નીકળવાના કારણે અંડરબ્રિજ આસપાસ કાયમ પાણી રહે છે. તળિયામાંથી પાણી નીકળવાના કારણે શેવાળ થવાની સમસ્યા આવતી હતી. રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો અંડરબ્રિજથી પસાર થાય છે અને આ શેવાળ અને ભરાયેલા પાણીને કારણે રોજ અનેક લોકોના વાહનો સ્લીપ થતા હતા. ભૂતકાળમાં ઈજનેરોના ભૂલના કારણે અંડરબ્રિજ સુવિધાહિન સાબિત થઇ હતી.
આ સમસ્યાના કાયમી નિવારણ માટે કોર્પોરેશન દ્વારા 56 લાખના ખર્ચે પ્રેશર ગ્રાઉન્ટીંગ ફિલીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચને મંજૂરી આપી છે અને હવે તેની કામગીરી શરૂ થશે. જેના કારણે આગામી સોમવારથી આ અન્ડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવશે. એપ્રિલ - 2017માં આ અંડરબ્રિજ રૂપિયા 17 કરોડમાં થયો હતો તૈયાર થયો હતો. જેમાં હવે તળિયાનું પાણી રોકવા અને બ્રિજનાં પ્રાથમિક સ્ટ્રક્ચરને ફેરફાર કરવા 56 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અંડરબ્રિજના તળિયા-દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરી સમારકામ કરવામાં આવશે.