Rajkot: રાજકોટમાં લાખો રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સટ્ટોડિયાઓ પર મોટી કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી, નવા ગામમાં દરોડા પાડ્યા હતા અને લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો મળી આવ્યા હતા.


રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સુકેતુ ભુતા, નિશાંત ચગ, ભાવેશ ખખ્ખરની ધરપકડ હતી. તેજસ રાજદેવ, અમિત પોપટ, નિરવ પોપટ નામના બુકીની પણ ધરપકડ કરાઇ હતી. હજુ પણ કેટલાક બુકીઓના નામ ખુલે તેવી શક્યતા છે.


પી.આઈ બીટી ગોહિલ અને ટીમે શહેરમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં એસ્ટ્રોન ચોક ,હનુમાન મઢી અને નવાગામ ખાતે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકયું હતું. આ દરોડામાં પોલીસને કુલ 11,65,000 ની રોકડ રકમ હાથ લાગી હતી. ઉપરાંત ક્રિકેટ સટ્ટા અંગે લાખોના વ્યવહારો મળી આવ્યા છે.


ક્રાઇમ બ્રાન્ચે નિશાંત,,ભાવેશ,સુકેતુ નામના બુકીની ધરપકડ કરી હતી. આ ત્રણેય બુકીઓ પાસેથી 11.50 લાખ રોકડ કબ્જે કરાઈ છે અને 2 માસ્ટર આઈડી મળી આવ્યા હતા. માસ્ટર આઈડીમાંથી આશરે 5 થી 7 કરોડ રોકડના વ્યવહાર ખુલ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


1195 કરોડ રૂપિયાની હેરાફેરીનો ખુલાસો


ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અઢી વર્ષમાં જ 1195 કરોડ રૂપિયાની હેરાફેરીનો ખુલાસો કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે ક્રિકેટ સટ્ટા, ઓનલાઈન ગેમની બ્લેકમનીનો પર્દાફાશ કર્યો હતો.


માધવપુરામાંથી પકડાયેલા 2500 કરોડના ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક 1195 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાના રેકેટનો ખુલાસો થયો હતો. આ રેકેટમાં પણ ઓનલાઈન ઓએસટી અને સીબીટીએફ બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડતો હતો.મજૂરો, ખેડૂત, ડિલિવરી બોયના ડમી બેન્ક એકાઉન્ટનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા થયો હતો.


સીઆઇડી ક્રાઇમે ત્રણ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા 35 એકાઉન્ટ મળ્યા હતા. હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં 342 કરોડ રૂપિયા, શિવમ ટ્રેડિંગના ખાતામાં 636 કરોડ રૂપિયા અને ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં 217 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા. ખાતેદારની ચેક બુક અને પાસબુક સટ્ટો રમાડતી ટોળકી તેમની પાસે રાખી એકાઉન્ટ ઓપરેટ કરતી હતી.


સટ્ટો રમાડવા માટે બનાવવામાં આવેલી બંને એપ જૂનાગઢના ભાવેશ સચાણીયા અને અમિત મજેઠિયાના નામે રજિસ્ટર્ડ થઈ હતી. સીઆઈડી ક્રાઇમે મજેઠિયા ઉપરાંત ઓમશંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેષ જોશી સામે ગુનો નોંધ્યો હતો.આ ટોળકીએ એક વર્ષમાં 2,92,842 એન્ટ્રીથી જુદા જુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો થયો છે.


બેન્ક ખાતુ ભાડે આપનાર,બેન્ક ખાતુ અપાવનાર સહિત કુલ સાત સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ, જૂનાગઢ, બનાસકાંઠા, બાલાસિનોરના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી. 35 બેન્ક ખાતામાં સટ્ટાના નાણાની હેરાફેરી કરવામાં આવતી હતી. પૈસા ટ્રાન્સફર કરવા લોન મેળવી આપવા, વધારાની આવકની લાલચ અપાતી હતી.