રાજકોટ: વડોદરા બાદ રાજકોટમાં 8 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આખા રાજકોટ શહેરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે ગોંડલમાં 4, અમરેલીમાં 4, કોડિનાર સૂત્રપાડામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલની વાસાવડી નદીમાં પૂર આવતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદી આંકડા પ્રમાણે, રાજકોટ-8, બાલાસિનોર-6, વાપી-5, સૂત્રપાડા-5, કપરાડા-4.5, ઉના-4, જામજોધપુર-3, ધનસુરા-2, ધરમપુર-2 અને બગદાણા-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રની નદીઓ ગાંડૂતીર બની છે. આ ઉપરાંત ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ અમીછાંટણા કર્યાં હતાં. મધ્ય ગુજરાતના બાલાસિનોરમાં 6 ઈંચ જ્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડમાં 2-2 ઇંચ સુધી વરસાદ ખૈાબક્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દિવસ દરમિયાન ઝરમર વરસાદ પડતો રહ્યો હતો.

વલસાડ અને સંઘ પ્રદેશમાં મેઘરાજાનું જોર યથાવત રહ્યું હતું. ગુરુવારે સાંજથી શુક્રવાર બપોર સુધીમાં વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુર, સંઘપ્રદેશમાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. કલેક્ટરે ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટની સૂચના આપી દીધી છે.

લો-પ્રેશરને કારણે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને NDRFની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.