Jashoda Dairy controversy: તહેવારોની મોસમ નજીક આવતા જ ખાદ્ય સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. રાજકોટના પુષ્કરધામ ચોક નજીક આવેલી જશોદા ડેરી પર એક ગ્રાહકે જીવાતવાળી મીઠાઈ વેચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ગ્રાહકે ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે, ડેરીના માલિકે બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરતા દાવો કર્યો કે મીઠાઈમાં ઈયળ નહોતી, પરંતુ વાતાવરણના કારણે બહારથી જીવાત આવી હશે. બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પ્રતિક્રિયા આપી છે કે તપાસ કરીને 40થી વધુ ખાદ્યચીજોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે અને ભેળસેળ સાબિત થશે તો વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મીઠાઈમાં જીવાતનો વીડિયો વાયરલ, ગ્રાહકે પાડી ફરજ
તહેવારોની સિઝનમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવી ખૂબ જરૂરી છે, ત્યારે રાજકોટમાંથી સામે આવેલો આ કિસ્સો ગ્રાહકોને સાવધાન કરનારો છે. જશોદા ડેરીમાંથી મીઠાઈ ખરીદનાર એક ગ્રાહકે મીઠાઈમાં જીવાત નીકળ્યાનો આરોપ લગાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાનદારને મીઠાઈના ટુકડા તોડીને જીવાત બતાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ગ્રાહકે ડેરીના માલિકને ત્યાં હાજર તમામ જીવાતવાળી મીઠાઈનો જથ્થો તાત્કાલિક બહાર ફેંકી દેવાની ફરજ પાડી હતી. આ બનાવ બાદ ડેરીની ખાદ્ય સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ડેરીના માલિકે બેદરકારી છુપાવવાનો કર્યો પ્રયાસ
મીડિયા ટીમે જ્યારે જશોદા ડેરી પર જઈને આ વિવાદ અંગે માલિકનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે ડેરીના માલિકે પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મીઠાઈમાં ઈયળ હોવાની વાતને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે વાતાવરણના ફેરફારને કારણે બહારથી કોઈ જીવાત આવી ગઈ હશે. મીઠાઈની ગુણવત્તા જાળવવામાં આવે છે તેવું રટણ કરીને તેમણે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
મનપા દ્વારા કડક કાર્યવાહીની ખાતરી
આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં ફૂડ સેફ્ટીના ભાગરૂપે કડક તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ અંતર્ગત 40 કરતા વધુ ખાદ્યચીજોના સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીએ ખાતરી આપી છે કે, જો લેબોરેટરી પરીક્ષણમાં મીઠાઈમાં ભેળસેળ કે ખામી હોવાનું સાબિત થશે, તો જવાબદાર વેપારી વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારો દરમિયાન જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓને બક્ષવામાં નહીં આવે.