Rajkot: આગામી લોકસાભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા છે, આગામી 2024 લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનેલા શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓમાં નવો જોશ ભરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.
માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં રાજકોટમાં કોંગ્રેસ સેવાદળની શિબિર યોજાશે, આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં આવશે, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના કાર્યકરો માટે ત્રણ દિવસનો વર્કશોપ પણ યોજાશે. જેમાં શક્તિસિંહ ગોહિલની સાથે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પણ હાજર રહેશે. ખાસ વાત છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસ સેવાદળને સંગઠિત કરવાની કવાયત છે. આવતા સપ્તાહમાં સંભવિત મીટીંગનું પણ આયોજન છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની વધુમાં વધુ બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં જ પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહને જવાબદારી સોંપવામાં આવી છે.
આખરે આમ આદમી પાર્ટીના નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી
આખરે પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ફરી જોડાયા છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખતા સાગઠિયાએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે, રાજકોટના જ કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફર્યા હતા પરંતુ વશરામ સાગઠિયા આપમાં જ રહ્યા હતા. જો કે, આજે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, અમારા પરિવારમાં સૌરાષ્ટ્રનું હ્રદય કહેવાય એવા રાજકોટમાંથી આગેવાનો જોડાયા છે. કોંગ્રેસ પક્ષ સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નહિ ગુજરાતના હિત માટે અમે આગળ વધી રહ્યો છે. આ સેવા યજ્ઞમાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે. આવે એનું સૌ કોઈનું સ્વાગત છે. આપવાનું હશે ત્યારે પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને પક્ષ આપશે. વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા હતા. વશરામ સાગઠિયાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદપરથી કરાયા સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. વશરામ સાગઠિયા શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, વશરામ સાગઠિયા તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ ગ્રામ્યની બેઠકમાંથી વશરામ સાગઠીયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.