રાજકોટ: રાજકોટ અને સૌરાષ્ટ્રમાં લોકો સાથે છેતરપિંડી કરનાર રાજકોટ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકોને લોન આપવાની લાલચ આપી લોકો સાથે છતરપિંડી કરતો હતો. સામાન્ય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમની સાથે છેતરીપિંડી કરતો હતો. ઓછા સિબિલ સ્કોર હોવા છતાં લોન કરાવી આપવાની લાલચ આપી રાજકોટના 19 સહિત સૌરાષ્ટ્રના 80 લોકો સામે 16.67 લાખની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. લોન ઉપરાંત ગઠિયાએ શેરબજારમાં રોકાણ કરાવી ઉંચું વળતર અપાવાની લાલચ આપીને પણ અનેક લોકોને શીશામાં ઉતાર્યા છે. જૂનાગઢ કોર્ટે 2018માં જેને ફરાર જાહેર કર્યો હતો તે જ ગઠિયાએ ફરાર થયા બાદ લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.સી.સાકરિયા, એ.એન.પરમાર, હેડ કોન્સ્ટેબલ અશોક કલાલ તેમજ હરદેવસિંહ રાઠોડ સહિતનાએ બાતમીના આધારે રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, ગોંડલ, જામ કલ્યાણપુર, જેતપુર, શાપર, અમરેલી, જેતલસર, વાંકાનેર, ઉપલેટા, ધ્રોલ, થાનગઢ, પડધરી સહિતના વિસ્તારોમાં પર્સનલ લોન કરી આપવાના બહાને તેમજ શેરબજારમાં રોકાણ કરી આપવાના બહાને 80થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી.
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના ચોપડે ફરાર એવા પરેશકુમાર ધીરજલાલ ચાવડા (ઉ -39) રહેવાસી ગોપાલનગર, જૂનાગઢની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે પરેશ ચાવડાએ ફેસબુક પર ‘પ્રિન્સ ઈન્ડિયા’ નામનું ડમી આઈડી બનાવી ‘ઓછા સિબિલમાં પર્સનલ લોન માટે કોમેન્ટમાં તમારો નંબર મોકલો’ તેમજ ‘રોકડ પગાર પર પર્સનલ લોન કરવા માટે કોમેન્ટમાં તમારો નંબર લખો’ની પોસ્ટ મુકી પોસ્ટમાં નંબર મોકલનારને લોનની લાલચ આપી અઢી વર્ષ દરમિયાન 80 જેટલા લોકો સાથે 16.67 લાખની છેતરપિંડી આચરી હતી.
પરેશ ચાવડાએ રાજકોટમાં 19 લોકો સાથે છેતરપિંડી કરી હતી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ લોકો સાથે અઢી વર્ષ દરમિયાન છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. પરેશ ચાવડાએ 2021માં સિઝુકી કંપનીનું મોટર સાઈકલ પણ છેતરપિંડીથી મેળવી લીધું હોવાનું ખુલતાં તેની સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચમાં તેની સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં ATSનું મોટુ ઓપરેશન
ગુજરાત ATS દ્વારા રાજકોટ જિલ્લામાં ઓપરેશન હાથ ધરી 214 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ- જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામ નજીક ગતરાત્રિથી ATSએ ધામા નાંખ્યા હતા. ATS દ્વારા માહિતીના આધારે દરોડા પાડી 31 કિલો હેરોઈનનો જથ્થા સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે.
આ ત્રણ પૈકી એક નાઈઝિરીયન નાગરિકની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો છે. જ્યાં કોર્ટે આરોપીના 24 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા નાઈઝિરીયન શખ્સે કબૂલાત કરી કે હેરોઈનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો.
એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી
ATSની દરોડાની કાર્યવાહીમાં હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને ATSએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશાનો પદાર્થ ઝડપી પાડ્યો છે. 31 કિલો જેટલો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ એક મોટો તપાસનો વિષય છે. રાજકોટના જામનગર હાઈવે પર પડધરી ગામ નજીક ગઈકાલે રાત્રિથી કાર્યવાહી ચાલી રહી હતી. મુદ્દમાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. કોર્ટે 24 તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર પણ કરાયા છે. આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનો હતો.