Rajkot: રંગીલા રાજકોટમાં મહિલાઓ સલામત ન રહી હોય તેમ લાગે છે. નર્સ સાથે અઘટિત ઘટના બની હતી.અજાણ્યા શખ્સે નર્સને ઢસડી અવાવરૂ જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો.જો કે નર્સે હિંમત દાખવી પ્રતિકાર કર્યો, જેના કારણે અજાણ્યા શખ્સે નર્સને ઈજાઓ પહોંચાડી હતી. નર્સને ઇજા પહોચવાના કારણે સિવિલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી..સમગ્ર મામલે પીડિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપ હતી.
નર્સ 28 દિવસ પૂર્વે માધાપર ચોકડી નજીક મહાવીર રેસિડન્સીમાં રહેવા આવી હોવાનું સામે આવ્યું છે. નર્સ પરપ્રાંતિય હોવાની પણ વિગતો સામે આવી છે. હાલ તો પોલીસે અજાણ્યા શખ્સની શોધવાની કવાયત હાથ ધરી છે.
શું છે મામલો
માધાપર ચોકડી પાસે આવેલી મહાવીર રેસિડેન્સિમાં ફ્લેટમાં રહેતી રાજસ્થાનની વતની 23 વર્ષની યુવતી શુક્રવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની પોતાની ફરજ પૂરી કરીને રાત્રીના 8 વાગ્યે હોસ્પિટલથી રિક્ષામાં બેસી માધાપર ચોકડીએ આવી હતી અને ચોકડીએ ઉતરી રસ્તો ક્રોસ કરી યુવતી 8.30 વાગ્યાના અરસામાં મહાવીર રેસિડેન્સિ તરફ જઇ રહી હતી, એપાર્ટમેન્ટ તરફ જવાનો રસ્તો કાચો હોય અને ઘોર અંધારું હોય યુવતી ચાલીને જઇ રહી હતી તે વખતે પાછળથી કોઇ દોડીને આવી રહ્યું છે. તેવો અહેસાસ થતાં નર્સે પાછળ ફરીને નજર કરતાં જ કાળા રંગનું જેકેટ પહેરેલો અંદાજે 30 થી 35 વર્ષની વયનો શખ્સ તેની નજીક ધસી આવ્યો હતો, નર્સ કંઇ સમજે તે પહેલા જ તેને પાછળથી પકડી, તેના વાળ ખેંચ્યા હતા અને નર્સનો હાથ પકડી બાજુમાં આવેલા નાળા તરફ ખેંચી જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, નર્સે હિંમત દાખવીને તેનો પ્રતિકાર કરતાં તે શખ્સ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે નર્સને ધક્કો મારી પછાડી દઇ તેને ઢસડવાનું શરૂ કર્યું હતું. નર્સે પ્રતિકાર ચાલુ રાખ્યો હતો અને તે ઊભા થવાની કોશિશ કરતી હતી તેમ તેમ તે શખ્સ તેને ધક્કો મારીને પછાડી દેતો હતો અને અવાવરુ સ્થળે ખેંચી જવાનો પ્રયાસ કરતો હતો, નર્સ તાબે થઇ નહોતી અને તેણે હિંમતપૂર્વક પ્રતિકાર કરી બદઇરાદો રાખનાર શખ્સના સકંજામાંથી છૂટીને દોડીને પોતાના એપાર્ટમેન્ટમાં પહોંચી ગઇ હતી, ત્યાં બેઠેલા એ એપાર્ટમેન્ટના રહીશોને આપવીતી વર્ણવતા લોકો ત્યાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તે નરાધામ નાસી ગયો હતો.