Latest crime news Rajkot: રાજકોટના ત્રંબા નજીક આવેલા શાંત વડાલી ગામે ગત રાત્રિએ એક ગંભીર ઘટના બની હતી. ગામના રહેવાસી 32 વર્ષીય ભરત નાગજીભાઈ મૂછડીયાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. શરૂઆતમાં હત્યાનું કારણ અકબંધ હતું, પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા મોબાઈલમાં સ્ટેટ્સ રાખવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીનું પરિણામ હતું. મૃતક ભરત મૂછડીયાના સગા અજય મૂછડીયા નામના વ્યક્તિએ જ આવેશમાં આવીને છરીના ઘા મારીને ભરતની હત્યા કરી નાખી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ભરત મૂછડીયા અને અજય મૂછડીયા વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ હતી. આ તકરારનું મૂળ કારણ મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતનું હતું. વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચાલી વધી ગઈ હતી અને મામલો એટલો ગરમાયો હતો કે અજયે પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલા અજયે પોતાની પાસે રહેલી છરી કાઢીને ભરત પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ હુમલો એટલો અચાનક અને ઘાતક હતો કે ભરતને પોતાનો બચાવ કરવાનો પણ મોકો મળ્યો નહોતો અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ગઈ રાત્રે જ્યારે આ બનાવ બન્યો ત્યારે તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક વડાલી ગામે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મૃતક ભરત મૂછડીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આજીડેમ પોલીસના એસીપી જાધવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવીને તપાસની દિશા નક્કી કરી હતી.

પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસની ટીમોએ મૃતકના પરિવારજનો અને આસપાસના રહેવાસીઓની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ભરત અને અજય વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતોમાં બોલાચાલી થતી રહેતી હતી. પરંતુ, મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતની તાજેતરની બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે તેનું પરિણામ હત્યામાં આવ્યું. પોલીસની તપાસમાં આરોપી તરીકે ભરતના સગા અજય મૂછડીયાનું નામ સામે આવ્યું હતું. આથી, આજીડેમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 103 (1) હેઠળ અજય મૂછડીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલમાં પોલીસની વિવિધ ટીમો આરોપી અજય મૂછડીયાને પકડવા માટે સઘન તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા તેના સંભવિત સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવો વિશ્વાસ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. ભરત મૂછડીયાની હત્યાના આ બનાવથી સમગ્ર ત્રંબા પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એક સામાન્ય બાબતમાં આ રીતે યુવાનની હત્યા થઈ જવાથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસ હવે હત્યાના ચોક્કસ કારણો અને ઘટનાક્રમને વધુ સ્પષ્ટ કરવા માટે તપાસને આગળ વધારી રહી છે.