રાજકોટ:  રાજકોટમાં ધુળેટી રમ્યા બાદ ત્રંબા નદીમાં ન્હાવા માટે આવેલા રાજકોટના બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યા છે.  ગામલોકોએ મૃતદેહ બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરી હતી.  બંને  યુવાનોના પરિવારમાં જાણ થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.


આ ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.  સાત યુવાનો ન્હાવા પડયા હતા જેમાંથી બે યુવાનોના ડૂબવાથી મોત થયા છે.  રાજકોટના આજીડેમ પાસે આવેલા શ્રી રામ પાર્કમાં યુવકો રહે છે.  એક યુવાનની ઉમર 20 અને બીજા યુવાનની ઉમર 21 વર્ષે છે.  


આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ સાત યુવાનો ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા પડયા હતા. જેમાંથી બે યુવાનોના ડૂબી ગયા હતા. તેમને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ આસપાસના ગ્રામજનોની મદદ માંગીને બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ ગ્રામજનો મદદે આવે ત્યાં સુધીમાં નદીમાં ડૂબી જવાથી બન્ને મિત્રોના મોત થયા હતા. 


સ્થાનિકોની મદદથી બન્ને યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાનનું નામ કમલેશ પ્રજાપતિ અને બીજા યુવાનનું નામ અર્જુન લક્ષ્મણભાઈ ભુવા છે. બન્ને આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કના રહેવાસી છે.


બનાવના પગલે આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. અને પંચનામું તથા જરૂર કાગળ કાર્યવહી થયા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાશે. યુવાનો કઈ રીતે ડૂબ્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.