Rajkot: રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, RMCના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે તપાસ હાથ ધરી હતી. અલ્પના મિત્રાના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તમામ દસ્તાવેજો લઇને વિજિલન્સની ટીમ રવાના થઇ હતી. આ તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. બીજી તર અલ્પના મિત્રાએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે કોઇ અજાણી વ્યક્તિ મારા ઘરે મનપાની ફાઇલ મુકી ગયું હતું. પોટલામાં ક્યા વિભાગોની ફાઇલો છે તેની તેને કોઇ જાણકારી નથી.


કાલાવડ રોડ પર પૉશ વિસ્તારમાં રહેતા અલ્પના મિત્રા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રાનું નામ ખુલ્યું હતું. જો કે ઘરેથી કોર્પોરેશનની ફાઈલો મળી આવવાના મામલે અલ્પના મિત્રાએ દાવો કર્યો હતો કે કોઈ અજાણી વ્યક્તિ મારા ઘરે આવીને કોર્પોરેશનની ફાઈલ મૂકી ગયું હતું. મારા ઘરે માત્ર મારા સાસુ હાજર હતા. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઈલો મુકી ગયા હતા. પોટલામાં ક્યા વિભાગોની ફાઇલો છે તે અંગે તેને કોઇ જાણકારી નથી.


અલ્પના મિત્રાએ કહ્યું હતું કે હું તેમજ બાંધકામ શાખાના મેનેજર ભૂમિ પરમાર સાથે જ મારા ઘરે પહોંચ્યા હતા. અલ્પનાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના પતિની હોસ્પિટલ પણ આવેલી છે. અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઈલ કઈ રીતે અલ્પના મિત્રાના ઘરે મુકી જાય તે સૌથી મોટો સવાલ છે.


રાજકોટમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ શરૂ કરાઇ હતી. આવાસ યોજના કોભાંડમાં અલ્પના મિત્રાનું નામ આવ્યું હતું. અલ્પના મિત્રાએ પોતાના પદ પરથી રાજીનામું અગાઉ આપી દીધું હતું. તેમના વિરુદ્ધની તપાસ રાજીનામા બાદ શરૂ કરાઇ હતી. મિત્રાએ કહ્યું હતું કે ડેપ્યુટી ઇજનેરનો ત્રણ-ચાર દિવસથી ફોન હતો કે પંપિંગ સ્ટેશન બાબતના કાગળો સર્ટિફાઇડ કરી આપો. પરંતુ મેં ડેપ્યુટી ઇજનેરને કહ્યું હતું કે હવે હું કોર્પોરેશનમાં નથી, તમે કમિશનરને જાણ કરો.


વિજિલન્સની તપાસમાં અલ્પના મિત્રાના ઘરેથી અલગ અલગ વિભાગોના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ અનેક વખત અલ્પના મિત્રા વિવાદમાં આવી ચૂક્યા છે. મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ દસ્તાવેજની તપાસ કરશે. ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠીયા બાદ હવે અલ્પના મિત્રાની મુશ્કેલીમાં વધારો થશે.