રાજકોટઃ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસામાં ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. ઓક્સિજન-કાર્બનડાયોકસાઇડનું લેવલ જળવાતું નથી. તેથી તેઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદથી આવેલી ટીમે પણ તબિયત નાજુક હોવાથી એક્મોની તૈયારી હોવાનું તબીબે જણાવ્યું હતું. આ માટે ફેફસાના નિષ્ણાંત ડો. સમીર ગામી મોડીરાત્રે ચાર્ટડ પ્લેનથી સુરતથી રાજકોટ આવ્યા હતા. આજે એક્મો કરવામાં આવશે.


તેમના નાના ભાઈ અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે અભયભાઈની સારવાર શરૂ છે, તબિયત સ્થિર છે, તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવતા 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ છેલ્લા 3 દિવસથી તબિયત નાજુક થતા વેન્ટિલેટર પર મુકાયા છે. તબિયત બગડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 તબીબની ટીમને અમદાવાદથી રાજકોટ મોકલી હતી અને સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવ્યા હતા. તબીબોની ટીમ સિવિલ ગઈ હતી અને સારવાર અંગે ચર્ચા કરી હતી.