રાજકોટ: બ્રહ્મ સમાજ પર અને ભગવાન પરશુરામ પર ટિપ્પણી કરવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટના રમેશચંદ્ર ફેફરની પોલીસે  અટકાયત કરી છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને બોલાવી રમેશ ફેફરના ઘરે વિરોધ કર્યો હતો. બ્રહ્મ સમાજ વિશે જેમ તેમ બોલનાર રમેશકુમાર ફેફરને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. બ્રહ્મ સમાજના યુવાનો પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજકોટના નિવૃત્ત અધિકારી રમેશકુમાર ફેફરના બફાટને લઈને બ્રહ્મ સમાજના આગેવાનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.





રાજકોટમાં કથિત કલ્કી અવતાર તરીકે પોતાને ઓળખ આપનાર રમેશ ચંદ્ર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે પરશુરામ ભગવાનને રાક્ષસ કહ્યા હતા.  બ્રાહ્મણોનો નાશ થશે અને ભગવાન પરશુરામ રાક્ષસ હતા તેવો વાણી વિલાસ કરનાર રમેશ ચંદ્રની પોલીસે અટકાયત કરી છે. એટલું જ નહીં ચંદ્રયાન -3, 615 કરોડનો ચૂંટણી પ્રચાર જ છે તેવી પણ ટીકા કરી છે.


તો બીજી તરફ બ્રહ્મસમાજના અપમાન બદલ રમેશચંદ્ર ફેફરનું મોં કાળું કરનારને હેમાંગ રાવલ તરફથી ૧૧,૦૦૦ નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટના પ્રખ્યાત ન્યુરોસર્જન ડૉ. હેમાંગ વસાવડા દ્વારા રમેશચંદ્ર ફેફરની મનોચિકિત્સા નિ:શુલ્ક કરવાનું એલાન કરવામં આવ્યું છે. સરકાર દ્વારા તાત્કાલિક કાનૂની પગલાં લઈ ફરિયાદ દાખલ કરી આ માનસિક વિકૃત રમેશને અસારવા સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. સનાતન ધર્મમાં માનનારા બંધુઓ - ભગિનીઓની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ટ્રસ્ટી હેમાંગ રાવલ કહ્યું કે, સૌ સુખી રહે, સૌ રોગમુક્ત રહે, સૌનું જીવન મંગલમય રહે અને કોઈ દુઃખમાં ભાગી ન બને. હે ભગવાન અમને એવું વરદાન આપો!... વિશ્વ કલ્યાણની ભાવના સાથે ચાલનાર એટલે બ્રાહ્મણ. જે પોતાનું નહિ વિશ્વનું કલ્યાણ થાય તેવું વર માંગનાર એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણનું અપમાન એટલે સમગ્ર વિશ્વનું અપમાન ગણાય છે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. 


પોતાને ભગવાન શ્રી કલ્કિનો અવતાર ગણાવીને જેમણે પહેલાં જ દેવી -દેવતાઓનું અપમાન કર્યું છે તેઓએ હવે પવિત્ર શ્રાવણ માસમાં બ્રાહ્મણોનું અને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી પરશુરામનું પણ ઘોર અપમાન કર્યું છે. રમેશચંદ્ર ફેફરના આ દુષ્કૃત્ય બદલ બ્રહ્મસમાજમાં રોષની જ્વાળા ઉઠી છે અને આ અપમાનને બ્રહ્મસમાજ કદી નહિ ભૂલે તે નક્કી છે. સાંસ્કૃતિક અસ્મિતાના વાહક, માતા સરસ્વતીના ઉપાસક એવાં ભૂદેવો યુગો યુગોથી ધર્મ અને જ્ઞાનનો ફેલાવો કરી રહ્યાં છે, સાથે જ ચિરંજીવ આરાધ્યદેવ ભગવાન પરશુરામનો અનાદર તે સમગ્ર બ્રહ્મ તેજનો અનાદર છે. 


રમેશ ફેફર માનસિક બિમારીથી પીડાતા હોય તેવું લાગી રહ્યું છે અને તેથી જ સનાતન ધર્મને બદનક્ષીથી બચાવવા માટે રાજકોટના ખ્યાતનામ ન્યુરોસર્જન ડૉ. હેમાંગ વસાવડાએ જાહેર કર્યું છે કે તેઓ રમેશભાઈની સારવાર તદ્દન નિઃશુલ્ક કરશે. આ અનાદર સામે ન્યાયિક કાનૂની પગલાં લેવામાં આવશે અને સાથે જ બ્રહ્મ અગ્રણી તરીકે હું જાહેર કરું છું કે જે વ્યક્તિ રમેશ ફેફરનું મોં કાળું કરશે તેઓને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલ તરફથી ૧૧,૦૦૦/- ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.