સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી માટે અરજી 26 ડિસેમ્બરથી ઓનલાઈન કરી શકાશે. સાતમા પગાર  પંચ મુજબ પ્રોફેસરને 1 લાખ 44 હજારનો પગાર ચુકવાશે જ્યારે એસોસિએટ પ્રોફેસરને 1 લાખ 31 હજારનો પગાર ચુકવાશે. 

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્ધારા વિવિધ ભવનોમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતી અભિયાન હેઠળ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની કૂલ 51 જગ્યાઓ પર ભરતી કરાશે. આ ભરતી બાયો સાયન્સ, ઈકોનોમિક્સ હોમ સાયન્સ, જર્નાલિઝમ, લો, ગણિત, સમાજશાસ્ત્ર, ફાર્મસી, ગુજરાતી, આંકડાશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સ જેવા મહત્વના વિભાગોમાં કરવામાં આવશે. 

ઓનલાઈન અરજીની શરૂઆત 26 ડિસેમ્બર 2025થી કરી શકાશે. અરજી કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી 2026 છે. અનામત વર્ગના ઉમેદવારોએ 1500 રૂપિયા ફી ઓનલાઈન ભરીને તેની બે નકલ જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રાર, રિક્રૂટમેન્ટ સેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે. પસંદગી પામનાર પ્રોફેસરને સાતમા પગાર પંચ અનુસાર લેવલ-14 અંદાજે 1,44,200 રૂપિયા પગાર મળશે. એસોસિયેટ પ્રોફેસરને અંદાજે 1,31,400 રૂપિયાનો પગાર મળશે. આ ભરતીમાં એસસી, એસટી, એસઈબીસી, ઈડબલ્યૂએસ અને દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમ અનુસાર અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 

Continues below advertisement

નોંધનીય છે કે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્ધારા વિવિધ નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વર્ગ 1થી લઈને વર્ગ-3ની કુલ 71 પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ટેક્નિકલ તેમજ વહીવટી પદોનો સમાવેશ થાય છે. ઉમેદવારો આગામી 11 જાન્યુઆરી સુધી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ www.saurashtrauniversity.ac.in પર અરજી કરી શકશે. મહત્વપૂર્ણ છે કે, RC-9 અને 20 પદ માટે ઓનલાઈન અરજી સાથે હાર્ડ કોપી મોકલવી પણ ફરજીયાત છે. પદ અનુસાર આસિસ્ટન્ટ કલાર્ક માટે સ્નાતક જ્યારે લેબ આસિસ્ટન્ટ માટે B.Sc અથવા બી.ફાર્મ જેવી શૈક્ષણિક લાયકાત ફરજિયાત છે.

નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતી માટે જનરલ કેટેગરી માટે 1 હજાર રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે 750 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. પસંદગી પ્રક્રિયામાં ગ્રુપ-સી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે.