રાજકોટ: રાજકોટ શહેરમાં સહકાર સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી નિવૃત પીએસઆઈનો મૃતદેહ મળી આવ્યો છે. નિવૃત PSI એમ.એચ.ટાંકનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. PSI એકલા મકાનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. મકાનમાંથી દુર્ગંધ આવતા લોકોએ 108ને જાણ કરી હતી.
આ ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે PSIના મૃતદેહને લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ મૃતદેહને પોસમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જે બાદ બીમારી સબબ આ મૃત્યુ થયું છે કે કોઈ અન્ય કારણોસર મૃત્યુ થયું તેને લઈ તપાસ હાથ ધરવામાં આવશે.
18 વર્ષના યુવકે સ્કોર્પીયોથી 3 બાઈક અને શાકભાજીની લારીને લીધી અડફેટે
રાજકોટમાં પણ નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો છે. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. હાલ તો બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.
આ મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, 4 જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર 18 વર્ષ છે, આ બાબતની fsl દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો અને પોલીસ શક્ય તેટલી ભારે કલમો હેઠળ ગુનો નોધશે. લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું. જોકે પોલીસે જણાવેલ વાત અને આરોપીએ મીડિયાને જણાવેલ વાર્તા કંઈક અલગ જ છે. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે લીવર ચોટી ગયું હતું અને પોલીસને એવું નિવેદન આપ્યું કે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને ગાડી ભાગી હતી.