રાજકોટઃ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે શહેરમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક પરીપત્ર જારી કર્યો ચે. આ પરીપત્રમાં દર શુક્રવારે તમામ અધિકારીઓ-કર્મચારીઓએ સાયકલ પર ઓફિસ આવવા આદેશ કરાયો છે. અધિકારી-કર્મચારીઓ સાયકલ લઈને આવે તો એક તો પેટ્રોલ-ડીઝલની બચત થશે અને વિશેષ તેમની શારિરીક તંદુરસ્તી જળવાશે, તેમ પરીપત્રમાં જણાવાયું છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે, તેઓ પોતે પણ આ નિર્ણયનો અમલ કરશે અને આ શુક્રવારથી જ તેઓ સાયકલ પર ઓફિસ આવશે. મનપાના તમામ અધિકારીઓ-કર્મચારીઓને પણ આ નિયમ પાળવા પરિપત્ર જારી કરાયો છે.



વર્ષો પહેલા આવો નિર્ણય લેવાયો હતો. જે તે સમયે મ્યુનિસિપલ કમિશ્નરે તેનો અમલ કર્યો હતો અને તેઓ ચાલીને ઓફિસે આવતા હતા. જોકે, પછી તેઓ કારમાં અવર-જવર કરવા લાગ્યા હતા. આ સમયે મોટાભાગના અધિકારીઓએ ચાલવામાં કે સાયકલ ચલાવવામાં રસ લીધો નહોતો.



અગાઉ મનપાના કર્મચારીઓને પેટ્રોલ એલાઉન્સ વગેરેને બદલે તેઓ માસ ટ્રાન્સપોર્ટેશન (સિટી બસ)નો ઉપયોગ કરીને ઓફિસે આવે તેઓ પણ નિર્ણય લેવાયો હતો. જોકે, કર્મચારીઓએ તેની ઉપેક્ષા કરી અમલ થવા દીધો ન્હોતો.