Parshottam Rupala: પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર, ભાવનગર, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચાર કર્યા હતા. જો કે એક સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપના ચાલું કાર્યક્રમમાં અચાનક પહોંચી જતા કાર્યક્રમ થોડીવાર માટે સ્થગિત થયો હતો.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહીતના નેતાઓ હાજર હતાં.
જો કે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર લઈ જવામાં આવ્યાં હતાં. તો આ,તરફ છેલ્લા બે દિવસથી ભાવનગરમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપ વિરૂદ્ધ ભાવનગરમાં શુક્રવારે અને શનિવારે વિરોધ પ્રદર્શન થયું છે. પૂનમ માડમના પ્રચાર કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો રાજકોટમાં પણ વિરોધના કારણે રૂપાલાનો ગઈકાલે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિયસમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે. આ દરમિયાન નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ મચ્યો છે.
ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરૂધ્ધ પ્રચાર અંગે મિટિંગ યોજવામાં આવી હતી. મીટિંગના ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામાં આપ્યા હતા. આ હોદ્દેદારોના પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય. રજપૂત સમાજે પડખે રહેવાની ખાત્રી આપી હતી. જોકે રવિવારે સાંજે 5 વાગે ગોપાલપુરા ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજવામાં આવશે.
કોણે કોણે આપ્યા રાજીનામાં
રાજપાલસિંહ ગોહિલ આઈ ટી સેલ કો કન્વીર નર્મદા જિલ્લો, અજીતસિંહ ગોપાલસિંહ મંત્રી, કિસાન મોરચા ,રાજેન્દ્રસિંહ ગોહિલ - સ્પોર્ટસ સેલ કન્વીનર, નર્મદા, પુષ્પરાજસિંહ ગોહિલ , મંત્રી,યુવા મોરચા ,જયવીર સિંહ ગોહિલ ,યુવા મોરચાએ રાજીનામા આપ્યા છે.