રાજકોટ: પક્ષનું નેતૃત્વ બદલાતા જ પ્રદેશ ભાજપની કાર્યશૈલીમાં પણ મોટા બદલાવના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે. પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલની સ્પષ્ટ વક્તા અને આક્રમતાનો પરચો જોવા મળ્યો હતો. હવે ભાજપના એ નેતા અને કાર્યકર્તાઓને મળવા લાગ્યો છે જે જમીન સાથે જોડાયેલા ન હોવા છતાં પણ ચૂંટણીમાં ટીકિટ નક્કી હોવાનું માની બેઠા છે.

સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખે રાજકોટના નેતાઓને કોઈ પણ પ્રકારના ભ્રમમાં ન રહેવાની વાત કરી છે સાથે જ પેજ અને બુથ મજબૂત કરવા આહવાન આપ્યું હતું.

પાટીલે સ્પષ્ટ કહી દીધું કે, મુખ્યમંત્રીના શહેરના હોવાથી કોર્પોરેશનની ટીકિટ મળી જાય તેવો ભ્રમમાં કોઈ રહે નહીં. આ સાથે જ જૂથ બંધી કરનારા નેતાઓને સી.આર.પાટીલે આડેહાથ લીધા હતાં. જૂથબંધીના સખત વિરોધી એવા સી.આર.પાટીલના નિવેદનોમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે, છેલ્લા કેટલાંક વર્ષોમાં ભાજપમાં જ જૂથબંધી વકરી ચુકી છે. આ સાથે જ મોટા નેતાઓના કુર્તા પકડી સત્તા મેળનારાઓ પર હવે અંકુશ લાગવાનું નક્કી છે.