રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. જામજોધપુરના પાટીદાર ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિરાગ કાલરીયાને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. ત્યારે તેમને કેવી રીતે કોરોનાનો ચેપ લાગ્યો તે તો જાણી શકાયું નથી. પરંતુ રાજ્યસભાની ચૂંટણી પછી ભરતસિંહ સોલંકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે શક્યતા છે કે, તેમને ભરતસિંહ સોલંકીથી ચેપ લાગ્યો હોય. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. ભરતસિંહ ઉપરાંત વડોદરા કોંગ્રેસ શહેર ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવને પણ આ પછી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ, રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના ત્રણ નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

ચિરાગ કાલરિયાને કોરોના થતાં આરોગ્ય વિભાગ કોન્ટેક હિસ્ટ્રી તપાસી તેની સાથે સંપર્કમાં રહેલ લોકોને ક્વોરેન્ટીન કરવા કામગીરી હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ ભાજપના બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ સહિત કેટલાક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.