Saurashtra News: સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર અને ભાજપ કોર્પોટરનો પતિ ધીરેન કારીયા ઝડપાયો છે. અમરેલી જિલ્લા પોલીસ વડાની ટીમે ઝડપી પાડ્યો છે. ધીરેન કારિયા અમરેલી જિલ્લા સહીત સૌરાષ્ટ્રમાં દારૂના સપ્લાયમાં મોટું નામ ધરાવે છે. દારૂ સપ્લાય માટે માણસો રાખતો અને અનેક જિલ્લામાં સપ્લાય પણ કરતો હતો. આ બુટલેગર સામે 11 જિલ્લામાં 59 જેટલા ગુનાઓ નોંધાયા છે. જેમાં તે 18 ગુનામાં વોન્ટેડ હતો.


છેલ્લા ઘણા સમયથી પોલીસ આ બુટલેગરની તપાસ ચલાવી રહી હતી. આ દરમિયાન બાતમી મળી કે, તે અત્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં છૂપાયો છે. જે બાદ અમરેલી એસપીએ ખાસ ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડ્યો. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો બુટલેગર જૂનાગઢ વોર્ડ નંબર 3 ભાજપના મહિલા કોર્પરેટરનો પતિ છે.


નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટમાંથી કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે 6 આંગળી ઝડપાયો હતો. ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ સહિત સંખ્યાબંધ ગુન્હાઓ અલ્તાફ સામે પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. મર્સિડીઝ કારમાંથી પસાર થયો ત્યારે તાલુકા પોલીસે અલ્તાફને ઝડપી લીધો હતો. ઝડપાયેલો અલ્તાફ આજી ડેમ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. એકાદ વર્ષ પહેલાં અલ્તાફ પાસે થી મળેલી ડાયરીમાં પોલીસ કર્મીઓને તે નિયમિત હપ્તાઓ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે જે તે વખતે 11 પોલીસમેનની શહેર બહાર બદલી કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, અલ્તાફે 20 દિવસ પહેલા આજીડેમ ચોક નજીક એક યુવાન ઉપર બંદૂક ટાંકી ટ્રીગર દબાવી ફાયરિંગ કર્યું હતું. સદનસીબે બંદૂકમાંથી ગોળી ફાયર ન થતા યુવકનો જીવ બચી ગયો હતો. આરોપી અલ્તાફ ઉર્ફે 6 આંગળી વિરુદ્ધ 2019ની સાલમાં થોરાળા વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધાયો હતો.જેમાં તે બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો.આ સમય દરમિયાન અંગ્રેજી દારૂનું નેટવર્ક ચાલુ રાખ્યું હતું.અગાઉ 33 જેટલા ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ છ વખત પોતે પાસામાં પણ જઇ આવ્યો છે.


મીડિયા રિપોર્ટ અનુસાર બુટલેગર અલ્તાફ મર્ડર કેસમાં અંદાજે બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો. પકડાયો ત્યારે તેની પાસેથી ડાયરી મળી હતી, જેમાં તેના દારૂનો હિસાબ ઉપરાંત રાજકોટ ક્યા પોલીસકર્મીને કેટલો હપ્તો આપતો તેની સ્ફોટક માહિતી હતી, જેના આધારે જે-તે વખતે ક્રાઈમ બ્રાન્ચના 8 સહિત કુલ 11 પોલીસમેનની જિલ્લા બહાર બદલીનો આદેશ કરાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર બુટલેગર અલ્તાફ બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો. તેમ છતાં રાજકોટ પોલીસની સાંઠગાંઠથી તેનો દારૂનો ધંધો કર્યો અને બે વર્ષમાં 9 કરોડનો દારૂ વેચી નાખ્યો હતો. ડાયરીમાંથી જાણવા મળ્યું હતું કે બુટલેગર અલ્તાફના પેરોલ ઉપર રાજકોટના અધધ કહી શકાય તેટલા 64 પોલીસકર્મી છે. આ પોલીસકર્મી હપ્તા લઈ અલ્તાફને દારૂનો ધંધો કરવા માટેની તમામ સગવડો પુરી પાડતા હતા. આ તમામ પોલીસકર્મીના નામ ડાયરીમાં મળી આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.