રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષા શરૂ થઇ  રહી છે. યુનિવર્સિટીના જુદા જુદા 40 જેટલા કોર્સના 59,171 વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપશે.  પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-1ના 19,131 વિદ્યાર્થી, બી.એ. સેમેસ્ટર-1ના 19,653 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ સાથે બીસીએ સેમેસ્ટર-1, બીબીએ સેમેસ્ટર-1, બીએસસી સેમેસ્ટર-1 અને એમ.કોમ. સેમેસ્ટર-1 સહિત 40 જેટલા કોર્સના વિદ્યાર્થીઓ 194 કેંદ્રો પર પરીક્ષા આપશે. આજથી શરૂ થઇ રહેલી પરીક્ષામાં BCAના પેપર ઈ મેઈલથી મોકલાશે. તો મોટા ભાગના પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સીટી રૂબરૂ પેપર આપવા જશે. અગાઉના પેપર લીક પ્રકરણથી આ પરીક્ષામાં સતર્કતા રખાઈ છે.


હવે અમદાવાદની આ જાણીતી મેડિકલ કોલેજ નરેન્દ્ર  મોદી મેડિકલ કોલેજના નામે ઓળખાશે


અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાના ઠરાવને નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે મંજૂર રાખ્યો છે. જેના લીધે હવે આ મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.


થોડા મહિના અગાઉ એલજી હોસ્પિટલ સંકુલમાં આવેલી અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાનો અમદાવાદ મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો હતો. આ ઠરાવને મંજૂરી માટે દિલ્હીની નેશનલ મેડિકલ કમિશનને મોકલી આપ્યો હતો. નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે પાંચ ડિસેમ્બરે પત્રથી આ ઠરાવને માન્ય રાખતો પત્ર લખીને અમદાવાદ મહાનગર પાલિકાને જાણ કરી છે. આમ હવે એલજી હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.


ગુજરાતમાં ઠંડીમાં ઘટાડાની વચ્ચે વરસાદની આગાહી, ખેડૂતો મુકાયા ચિંતામાં





ઠંડીના માહોલ વચ્ચે આજથી અનેક જિલ્લામાં માવઠાની આગાહી. રાજ્યમાં અચાનક જ ઠંડીમાં ઘટાડો થયો છે.  જેના કારણે લોકોને રાહત મળી છે.  જો કે આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે..


આજે નર્મદા, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદ વરસી શકે છે.


તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ. નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે