સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી સ્નાતકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. 160 પરીક્ષા કેન્દ્ર પરથી 42 હજાર 437 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો ખડેપગે રહેશે.
યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરફથી લોકસભા ચૂંટણીનું કારણ આગળ આપીને વહેલી પરીક્ષા લેવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અંડર ગ્રેજ્યુએશનના 27 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષાના સીસીટીવી કોઈ પણ વ્યકિત જોઈ શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન વેબકાસ્ટિંગ કરાશે.
આજથી શરૂ થનારી પરીક્ષા 3 એપ્રિલ સુધી ચાલશે. બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી. એસ. ડબલ્યુ., એમ. એસ. ડબલ્યુ, બી. એ. બી. એડ. સહિતના 27 કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં બી.એ. અને બી.કોમ. માં રેગ્યુલરની સાથે એક્સ્ટર્નલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પણ પરીક્ષા યોજાવાની છે. 3 એપ્રિલના સ્નાતક કક્ષાના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયા બાદ 4 એપ્રિલથી અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે.
સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે કરી હતી વિદ્યાર્થીનીઓની છેડતી
રાજકોટના કોઠારિયા રોડ પરની સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા પર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાના આરોપ લાગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના કોઠારિયા રોડ પર આવેલી સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે ચાર વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાની ઘટના બની હતી. વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાએ 4 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ વિવાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાની અટકાયત કરી હતી. ૧૧ થી ૧૪ વર્ષની ચાર વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાના આરોપ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીનો આગેવાન પણ છે. ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ સ્કૂલ રાજકોટના વોર્ડ નંબર 17માં આવી છે. આરોપી રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યો છે.
આરોપીની શાળાની મંજૂરી પર ભાજપે સવાલ ઉઠાવ્યા હતા. ભાજપ કોર્પોરેટર વિનુભાઈ ઘવાએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ શાળાને કેવી રીતે મંજૂરી અપાઈ છે. રાકેશ સોરઠીયાએ અગાઉ મહિલાની છેડતી કરી હતી. રાકેશ સોરઠીયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.