રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં આવશે તે નહીં તેને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. નરેશ પટેલને લઈને રોજે રોજ નવી નવી વાતો સામે આવી રહી છે. જો કે, આ અંગે હવે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલે પોતાનો નિર્ણય કરવો જોઈએ. કોઈ પણ પાર્ટીમાં નરેશ પટેલ ન જોડાવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, નરેશ પટેલ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે, પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. કઈ પાર્ટીમાં જોડાવું તે તેની ઈચ્છાની વાત છે. 


ઉલ્લેખનીય છે કે લેઉવા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન  નરેશ પટેલ છેલ્લા 6 મહિનાથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે.ત્યારે નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઇએ કે નહીં તે બાબતે મોટાભાગના નેતાઓ નિવેદનથી દુર રહેતા હોય છે ત્યારે હમેશા પોતાના નિવેદન માટે જાણીતા રામભાઈ મોકરિયા ખાસ નિવેદન આપ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આગામી 31 મે સુધીમાં નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લઈ શકે છે.


ગુજરાતની ચૂંટણીમાં કોળી સમાજ કોને ટેકો આપશે ? 
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજના આગેવાનો પણ એક્શનમાં આવ્યા છે. આ કડીમાં હવે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ વિક્રમ ભાઈ સોરાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે મહત્વની જાહેરાત કરી છે. કોળી સમાજના વિધાનસભાની ચૂંટણીમા શુ સ્ટેન્ડ રહેશે તે જણાવ્યું. 


તેમણે કહ્યું કે,કુંવરજીભાઇ, દેવજીભાઈ અને અજિતભાઈ સહિતના નેતાઓ સમાજના છે, પણ જે સમાજ માટે કામ કરશે તેની સાથે કોળી સમાજ રહેશે. પોતાના માટે મહેનત કરતા નેતાઓ પડખે સમાજ નહીં રહે, સમાજ જાગૃત છે. જે યુવાઓ અને નેતાઓ સમાજની સાથે રહશે તે લોકોને જ સમાજનો ટેકો મળશે. આ ઉપરાંત તેમણે રાજકીય પાર્ટીઓને ટકોર કરતા કહ્યું કે, જે વિસ્તારમાં અમારા સમાજની વસ્તી વધુ છે તે સ્થળે અમારા સમાજના પ્રતિનીધિને ટીકીટ મળવી જોઈએ. આજે યુવાઓને આગળ આવવાની જરૂર છે. કોળી સમાજના અગ્રણીઓની આ જાહેરાત આગામી ચૂંટણીમાં મહત્વની બની રહેશે તેમ લાગી રહ્યું છે.


કુંવરજીભાઇ અને અજિત ભાઈ અંગે તેમણે કહ્યું કે, બંને અગ્રણીઓ સમાજના મોટા નેતાઓ છે. સમાજ માટે બંને એ મોટા આગેવાન છે તેથી વિવાદ દૂર થવો જોઈએ. કોળી સમાજ જાગૃત છે, યુવાનો જાગૃત છે, જે સમાજ માટે કામ કરે છે તેને યુવાઓ ટેકો આપશે. આ ઉપરાંત તેમણે કુંવરજીભાઇ બાવડીયા અને અજિત કોન્ટ્રાકટર અંગેના વિવાદ ઉપર પણ નિવેદન આપ્યું હતું. સમાજમાં દુષણ દૂર કરવા, વ્યસન દૂર કરવા અને સમૂહ લગ્ન ઉપર જોર આપવાની વાત કરી હતી. હાલમાં જ 555 દિકરીઓના એક સાથે સમૂહ લગ્ન કરાવ્યા હતા.