રાજકોટમાં 17 વર્ષના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય મુદીત અક્ષય નળિયાપરા નામના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું હતું. વિદ્યાર્થી ચાલુ ક્લાસે અચાનક ઢળી પડ્યો હતો. તેને બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.
લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક સ્કૂલમાં બેભાન થઇ ગયો હતો. જે બાદ તેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી દીધો હતો.
આ મામલે શિક્ષકોએ જણાવ્યું હતું કે ક્લાસમાં પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી હતી પરંતુ તે અગાઉ જ તે બેભાન થઇ ગયો હતો. અમે તરત આ ઘટનાની જાણ 108ને કરી હતી. વિદ્યાર્થીને તરત જ સારવાર આપવામાં આવી હતી. પરંતુ તે સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા તે મોતને ભેટ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થીના પિતા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં ફરજ બજાવે છે.
તાજેતરમાં અરવલ્લીમાં ક્રિકેટ રમતા 20 વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયો હતો. મોડાસાના પર્વ સોનીનું ક્રિકેટ રમતા મોત થયું હતું. મૃતક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં યુવાન રહેતો હતો. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરના પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ યુવા સભ્ય રાજુભાઈ ઠાકોરની તબિયત લથડતાં પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. તે દરમિયાન હોસ્પિટલમાં જ હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. રાજુભાઈના નિધનથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. 39 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતુ.
રાજુભાઈ ઠાકોર રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડી રાત્રે ઘેર પહોંચતા હાથમાં દુ:ખાવો થતાં જાતે મોટરસાયકલ લઇ પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. પાટડી સરકારી હોસ્પિટલના બાકડે જ હાર્ટ અટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા.
Join Our Official Telegram Channel: