રાજકોટ :  બ્રેઈન સ્ટ્રોકથી રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે. રાજકોટની સીનર્જી હોસ્પિટલે રાઘવજી પટેલનું હેલ્થ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં હાલ રાઘવજીભાઈ પટેલની તબિયત સ્થિર અને પરિસ્થિતિ કંન્ટ્રોલમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે દિલ્હી એઈમ્સની ટીમ, રાજકોટ એઈમ્સની ટીમ અને સીનર્જી હોસ્પિટલના ડોક્ટરોની વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ વિડિયો કોન્ફરન્સના અંતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ રાઘવજીભાઈ પટેલને રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ દિલ્હી એઈમ્સના અધિકારીઓ અને સીનર્જી હોસ્પિટલના ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. સીનર્જી હોસ્પિટલના હેલ્થ બુલેટીન અનુસાર મોડી રાત્રે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને બોલવામાં તકલીફ થઈ રહી હતી.  રાઘવજીભાઈને જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.  જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બ્રેઈન સ્ટ્રોક હોવાનું જણાવ્યું હતું.  જામનગરની  જી.જી. હોસ્પિટલમાં તાત્કાલિક સીટી સ્કેન કરીને હેમરેજીક સ્ટ્રોકનું નિદાન કરવામાં આવ્યું હતુ. 


જામનગરમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ કૃષિમંત્રી રાઘવજીભાઈને તાત્કાલિક ધોરણે રાજકોટની સીનર્જી સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં ન્યૂરો સર્જન ડોક્ટર દિનેશ ગજેરા, ડોક્ટર સંજય ટીલાળા, ન્યૂરો ફિઝિશિયન ડૉક્ટર કલ્પેશ સનારીયા અને ક્રિટીકલ ટીમના ડૉક્ટર જયેશ ડોબરીયા અને ડોક્ટર મિલાપ મશરૂ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. 


રાજકોટ સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, રાઘવજી પટેલને વહેલી સવારે  સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજીભાઈ પટેલની તબિયત સ્થિર છે. બીપી અને બ્લડ સુગર કંટ્રોલમાં છે.  બીજી તરફ રાઘવજીના તબિયતના સમચાર મળતા  ભાજપ અગ્રણીઓ હોસ્પિટલ ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યાં છે. રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. રાજકોટ અને જામનગરના સહકારી અને ખેડૂત આગેવાનો પણ સીનર્જી હોસ્પિટલે ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા. 


કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયતની જાણ થતાં રાત્રે MLA રમેશ ટિલાળા, ભાજપ શહેર પ્રમુખ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના અગ્રણીઓ પણ રાત્રે પહોંચ્યા હોસ્પિટલ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial