રાજ્ય સરકાર ‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’ના ભલે અભિયાનો ચલાવતી હોય પણ જસદણના નાયબ કલેકટરે કરેલા તઘલખી ફરમાને સવાલ ઉભો કર્યો કે કેવી રીતે ભણશે ગુજરાત.  શિક્ષણના સત્યનાશ વાળવાના કારસાનો પર્દાફાશ થયો હતો. નાયબ કલેકટરે શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપી છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે.  ત્યારે તિર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં VVIP અને ભક્તો ઉમટી પડે છે. આ દરમિયાન લોકમેળો, ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે.

Continues below advertisement

આ ઉપરાંત મંદિર ખાતે ભંડારા સહિતનું આયોજન કરવામાં આવે છે.  ત્યારે જસદણના 30 શિક્ષક અને તાલુકા શિક્ષણાધિકારીને દર્શનાર્થીઓના ભોજનની જવાબદારી સોંપાઈ છે. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન 30 શિક્ષકને સ્થળ પર હાજર રહેવા હુકમ કરાયો હતો. હવે સવાલ એ છે કે શું આવી રીતે ભણશે ગુજરાત.

Continues below advertisement

જોકે આ વચ્ચે એબીપી અસ્મિતાએ જ્યારે પ્રાંત અધિકારી રાહુલકુમાર ખાંભલાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આ સ્કૂલ સિવાયના સમયમાં કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે સ્વયંસેવક તરીકે કામગીરીની તૈયારી દર્શાવી હોવાનો દાવો કર્યો હતો. હવે સવાલ એ છે કે સ્વૈચ્છિક સ્વયંસેવક તરીકે સેવા ફરજ બજાવવા શિક્ષકો તૈયાર હોય તો પરિપત્ર જાહેર કેમ કરવામાં આવ્યો.

abp અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં પ્રાંત અધિકારી રાહુલ કુમારે કહ્યું હતું કે જે સ્વૈચ્છિક રીતે સેવા આપવા તૈયાર હોય તેમને જ કામગીરીની વહેચણી કરાઇ છે. શાળાના સમય પછીના કલાકોમાં અનુકૂળતા મુજબ જવાબદારી નિભાવશે. શૈક્ષણિક કાર્યને કોઈ અસર નહી થાય તેવો પ્રાંત અધિકારીએ દાવો કર્યો હતો. આ ઘણા વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે.  શિક્ષકો સામે ચાલીને સેવા માટે આવ્યા છે. અમે કોઈને દબાણ કર્યું નથી.

પરિપત્રથી મોટો વિવાદ છેડાયો

જસદણ નાયબ કલેક્ટરના પરિપત્રથી મોટો વિવાદ છેડાયો હતો. શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપતા મોટો વિવાદ ઉભો થયો હતો. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, શૈક્ષિક સંઘે પરિપત્રનો વિરોધ કર્યો હતો. તાત્કાલિક પરિપત્ર રદ કરવાની માંગ ઉઠી હતી. શૈક્ષિક સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલે કહ્યું હતું કે આવા પરિપત્ર સામે આંદોલન કરવું પડશે તો કરીશું. ગઈકાલે જ અમારા ધ્યાન પર આ વિષય આવ્યો છે. સેવા માટે પરિપત્ર બહાર પાડવાની શું જરૂર છે. આ પરિપત્રથી બાળકોના અભ્યાસ પર અસર થશે. આવા બિનજરૂરી પરિપત્ર ન કરવા ભીખાભાઈ પટેલે માંગ કરી હતી.

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ આ પરિપત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. હુકમ રદ કરવા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે માંગ કરી હતી. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કહ્યું હતું કે શિક્ષણને લઈ સરકાર ગંભીરતાથી ધ્યાન આપે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું કે શિક્ષકો પર અગાઉથી જ વધારાની જવાબદારીઓ સોંપેલી છે. શિક્ષકો પર કામગીરીનો બોજો ઓછો કરવા રજૂઆત કરી છે. આ હુકમની અંદર સ્વૈચ્છિક સેવાનો કોઈ શબ્દ જ નથી.