વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં નવા બની રહેલા મોટામવા બ્રિજની કામગીરી નબળી હોવાનું જણાયું છે. આ બ્રિજના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં કોંક્રીટના સેમ્પલ ફેલ થયા છે. બ્રિજમાં ઉપયોગ કરાયેલા કોંક્રીટના નમૂના ફેલ થયા છે. નમૂના ફેલ થતા બ્રિજનું નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે.


મળતી માહિતી મુજબ રાજકોટ મનપાએ બ્રિજના 4 પિલર અને એક દિવાલ તોડવાનો આદેશ આપ્યો છે. બ્રિજના 4 પિલર તોડી નવેસરથી બનાવવાનો આદેશ અપાયો છે. એજેન્સીને કોંક્રીટ ની ગુણવત્તા M-35 રાખવાની હતી. જોકે એજેન્સીએ કોંક્રીટના ગુણવત્તામાં ગેરરીતિ કરી છે. એજેન્સીએ પિલરમાં ક્યાંક M-25 તો ક્યાંક M-30 ની ગુણવત્તા રાખી હતી.


આ બ્રિજના ઇન્પેક્શન દરમિયાન મનપા ઇજનરોનું તારણ છે કે એજેન્સીએ 30% જેટલું નબળું કામ કર્યું છે. 4 પિલરના પાયાની ગુણવત્તા નબળી સાબિત થઇ છે. આ બ્રિજની કામગીરી માટે બેકબોન એજેન્સીને નોટિસ ફટકારાઈ છે.


રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવનું નિવેદન પણ સામે આવ્યું છે. અલગ અલગ બે સેમ્પલ લેવામાં આવ્યા હતા એક સાત દિવસે અને બીજું 28 દિવસે લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ઇજનેરોએ બે સેમ્પલ લીધા જે બંને ફેઇલ ગયા હતા. મહાનગરપાલિકામાં કોઈ પણ કામ થાય ત્યારે મટીરીયલનું ચેકિંગ કરવામાં આવે છે. કોર્પોરેશન એજન્સીને નોટિસ પણ મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવી છે.


રાજકોટમાં એક બ્રીજ બનીનેતૈયાર


રાજકોટ-જામનગર હાઇવેને જોડતો એક ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. રાજકોટ-જામનગર હાઇવેને જોડતા માધાપર ચોક ખાતે આ ઓવરબ્રિજને 60 કરોડોથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આગામી મહિને આ ઓવરબ્રિજના લોકાર્પણની શક્યતાઓ છે. ઓવરબ્રિજને ખુલ્લો મુક્યા બાદ 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે. ઓવરબ્રિજના લોકાર્પણ બાદ માધાપર ચોક ખાતે મોરબી હાઇવે જોડતા રિંગરોડ પર પણ બીજો એક મોટો બ્રિજ બનશે. તાજેતરમાં 129 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ ડબલ ડેકર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં વધુ એક નવો ઓવરબ્રિજ લોકાર્પણ થવાની શક્યતા છે. રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં વધુ બે નવા બ્રિજ બનાવવામાં આવશે. શહેરમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ અને રિંગરૉડ 2 ઉપર આ બન્ને નવા બ્રિજ મનપા દ્વારા બનાવવામાં આવશે.